કાળા નાણાં સામેની લડાઈમાં મોટી સફળતા
માહિતી વિનિમય કરાર હેઠળ ભારતીય નાગરિકોના સ્વિસ બેંક ખાતાની વિગતોનો ત્રીજો સેટ મેળવશે ભારત
સ્વિટ્ઝરલેન્ડ સાથે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફર્મેશન કરાર(એઈઓઆઈ) હેઠળ ભારત આ મહિને તેના નાગરિકોના સ્વિસ બેંક ખાતાની વિગતોનો ત્રીજો સેટ પ્રાપ્ત કરશે. મહત્વપૂર્ણ બાબત છે કે, પ્રથમ વખત તેમાં ભારતીયોની સ્થાવર મિલકતની માહિતી પણ હશે. આ માહિતી અધિકારીઓએ રવિવારે આપી હતી જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ભારતીયોની વિદેશમાં રહેલી મિલકતો અંગેની વિગતો પણ આ સાથે આપવામાં આવશે.
ભારતીયો દ્વારા વિદેશમાં કથિત રીતે કાળા નાણાં સામે ભારત સરકારની લડાઈમાં આ પગલું એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભારત આ મહિને સ્વિટઝરલેન્ડમાં ભારતીયોના ફ્લેટ, એપાર્ટમેન્ટ અને સંયુક્ત રીતે માલિકીની સ્થાવર મિલકતની સંપૂર્ણ માહિતી પણ મેળવશે. ઉપરાંત આ મિલકતોમાંથી કમાણીનો પણ ઉલ્લેખ કરશે જેથી તેમની સાથે જોડાયેલી કર જવાબદારી તપાસવામાં મદદ મળી શકે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્વિસ સરકાર રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની વિગતો આપવા સંમત થઈ છે, પરંતુ બિનનફાકારક સંગઠનોના યોગદાન અને ડિજિટલ ચલણમાં આવા અન્ય પાયા અને રોકાણોની વિગતો આપવાની બાકી છે. તમને જણાવી દઈએ કે, આ ત્રીજી વખત હશે જ્યારે સરકાર સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયોના બેંક ખાતા અને અન્ય નાણાકીય સંપત્તિની વિગતો મેળવશે.
ભારતને એઇઓઆઈ અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૧૯માં આવો પહેલો સેટ મળ્યો હતો. તે વર્ષે આ પ્રકારની માહિતી મેળવનાર ૭૫ દેશો પૈકી ભારત એક દેશ હતો. સપ્ટેમ્બર, ૨૦૨૦ માં ભારતને તેના નાગરિકો અને કંપનીઓના બેંક ખાતાની વિગતોનો બીજો સેટ મળ્યો. સ્વિટ્ઝરલેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (એફટીએ)એ એઇઓઆઇ પર વૈશ્વિક ધોરણોના માળખામાં ૮૫ અન્ય દેશો સાથે સમાન માહિતી શેર કરી હતી.
આ વર્ષથી સ્વિટ્ઝરલેન્ડની ટોચની સંચાલક સંસ્થા ફેડરલ કાઉન્સિલે ટેક્સ હેતુઓ માટે પારદર્શિતા અને માહિતીના વિનિમય પર વૈશ્વિક ફોરમની ચાવીરૂપ ભલામણોને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિદેશી રોકાણની વિગતો શેર કરવામાં આવશે. નોંધનીય છે કે, આ ભલામણોમાં ડિજિટલ ચલણમાં રોકાણ અને બિન-નફાકારક સંસ્થાઓ અને ફાઉન્ડેશનોના યોગદાનની માહિતી પણ શામેલ છે. વૈશ્વિક સ્તરે સ્વિટ્ઝરલેન્ડ પર પણ આ માહિતી શેર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
સ્વિસ સરકારે છેલ્લા બે સેટમાં દર વખતે લગભગ ત્રણ મિલિયન ખાતાઓની વિગતો શેર કરી છે અને આ વર્ષે આ સંખ્યા વધારે હોવાની શક્યતા છે.પરંતુ સ્વિસ અધિકારીઓએ આ વર્ષે ૧૦૦ થી વધુ ભારતીય નાગરિકો અને કંપનીઓ વિશેની માહિતી વહેંચી છે.