દર વર્ષે વડાપ્રધાન પોતાના જન્મદિવસે માતા હીરાબાના આશીર્વાદ લેવા ગુજરાત પધારે છે અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાની અટકળો ઉપર મુકાયું પૂર્ણવિરામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે દર વર્ષે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગુજરાત પધારતા હોય છે. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત તેઓ જન્મદિવસે ગુજરાત નહિ આવે. જો કે અગાઉ વડાપ્રધાન ગુજરાત આવવાના હોય તેવી અટકળો વહેતી થઈ હતી. પણ તેના ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પોતાના જન્મદિવસ પર ગુજરાત આવવાના નથી. આ પાછળનું કારણ કોરોના વાયરસની મહામારી અને ચોમાસું સત્ર માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે ગુજરાતમાં હોય ત્યારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરમાં રહેતા તેમના ભાઈના ઘરે જતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે આવે છે અને તેઓ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે માતાના આશિર્વાદ લેવા માટે ગાંધીનગર આવતા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી સપ્ટેમ્બરે ૭૦ વર્ષના થઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા ગત સોમવારથી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે આગામી રવિવાર સુધી ચાલશે. આ સેવા સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં ૭૦ તાલુકામાં ૭૦ દિવ્યાંગોને સહાય, ૭૦ બ્લોકમાં ૭૦ વ્યક્તિઓનું બહુમાન, કોરોના દર્દીઓ માટે ફ્રૂટની વહેચણી, પ્લાઝ્મા ડોનેશન અને રક્તદાન જેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કથનને દર્શાવતા ૭૦ વેબિનારનું પણ આયોજન કરાયું છે. ઉપરાંત દરેક બૂથમાં ૭૦ છોડ પણ રોપવા, સ્વચ્છતા અભિયાન આ પ્રકારના વિવિધ કાર્યક્રમો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આમ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસનો હરખ સમાતો નથી. ભાજપમાં આ જન્મદિવસને લઈને ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. પરંતુ આ વર્ષે પ્રથમ વખત એવું બનશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં નહિ હોય.