દુનિયામાં પહેલી વાર માનવીના માથાનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ઇટાલીના ન્યૂરોસર્જન સર્જિયો કેનેવરો અને તેમની ટીમે આ સર્જરી કરી છે. તેમણે ચીનમાં એક શબની સર્જરી કરી. આ સર્જરી 18 કલાક સુધી ચાલી હતી. ડોક્ટર સર્જિયોનો દાવો છે કે ઓપરેશન સફળ રહ્યું છે. આ સર્જરીનું સીધું પ્રસારણ પણ થયું. તેમણે જણાવ્યું કે ઓપરેશનમાં ડોક્ટર્સે પુરવાર કર્યું કે માનવીની કરોડરજ્જુ, જ્ઞાનતંતુઓ અને રક્તવાહિનીઓને ફરી જોડવાનું સંભવ છે.
ધ ટેલિગ્રાફ મુજબ ડોક્ટર કેનેવરોએ આ પરીક્ષણની સફળતાના દાવાના કોઇ નક્કર પુરાવા આપ્યા નથી. તેમણે એવી ખાતરી જરૂર આપી છે કે તેઓ થોડાક દિવસ પછી પરીક્ષણ સાથે સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવશે. ડોક્ટર સર્જિયો હવે આગામી ડિસેમ્બરમાં જીવિત માનવીનું હેડ ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.
ટુરિન એડવાન્સ્ડ ન્યૂરોમાડુલેશન ગ્રૂપના નિર્દેશક અને ઇટાલીના પ્રોફેસર કેનેવરોએ જણાવ્યું કે હાર્બિન મેડિકલ યુનિવર્સિટીના ડઝન્સ ડોક્ટર્સની ટીમે આ પ્રક્રિયા પૂરી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી તબક્કામાં બ્રેનડેડ વ્યક્તિનાં દાન કરાયેલાં અંગોથી ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આ હેડ ટ્રાન્સપ્લાન્ટનો અંતિમ તબક્કો છે. આશા છે કે ઓપરેશન સફળ થશે અને આ ચિકિત્સાપદ્ધતિને મંજૂરી મળી શકશે.