- બોગસ પેઢી બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કેસમાં 20ની સામે ગુજસીટોક હેઠળ ગુન્હો : 14ને કસ્ટડીમાં લેવાયા
કૌભાંડીઓ આર્થિક લાભ મેળવવાના નવા નવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે જીએસટીની અમલવારી બોગસ પેઢીઓ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ગેરરીતિ બાબતે સમગ્ર ગુજરાતમાં સૈાપ્રથમ વખત આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) તળે ભાવનગરના 19 અને રાજકોટના 1 સહીત કુલ 20 ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં છેતરપિંડીથી દસ્તાવેજ મેળવી આચરવામાં આવતી જીએસટી ગેરરીતિના 5 કેસ નોંધાયેલા છે અને તેમાં અત્યારસુધીમાં 141 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે.
ફેબ્રુઆરી-2023માં સ્ટેટ જીએસટી વિભાગે આધાર-1 અને ફેબ્રુઆરી-2024માં આધાર-2 કૌભાંડના પર્દાફાશ કર્યા હતા. તેમાં પાલિતાણા ટાઉનમાં 1, નિલમબાગ પોલીસ મથકમાં 2, અમરેલીમાં 2 પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેમાં અત્યારસુધીમાં 141 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગરની ઠગ ટુકડી જરૂરિયાતમંદ લોકોને સરકારી સહાયના નામે આધાર કેન્દ્રો પર લઇ જતી હતી અને ત્યાં જઇ તેમના આધારકાર્ડમાં પોતાના મોબાઇલ નંબર લીંક કરાવી દેતા હતા. તેના આધારે પાનકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલી દેવામાં આવતા હતા. જેના આધારે બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી દેવાતી અને તેના આધારે કરોડો રૂપિયાની બોગસ બિલો જનરેટ કરવામાં આવતા હતા. બોગસ બિલને આધારે કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઘર ભેગી કરવામાં આવી છે. સ્ટેટ જીએસટીને તપાસમાં ધ્યાને આવ્યુ હતુકે, કૌભાંડકારીઓએ અલ્પ શિક્ષીત, ગરીબ, જરૂરીયાતમંદ લોકોને આર્થિક પ્રલોભન આપી, આધાર કેન્દ્ર પર લઇ જઇ બાયોમેટ્રિકના આધારે લિન્ક કરેલ મોબાઇલ નંબર બદલી નાંખતા હતા. તેના આધારે પાન કાર્ડ મેળવી અને બાદમાં જીએસટી નંબર મેળવી બોગસ બિલિંગ થકી કરચોરી આચરવાની ફિરાકમાં હતા.
ભાવનગરના અમિન યુનુસભાઇ કિટાવાલા સામે જીએસટી ગેરરીતિની નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં ગુજસીટોક-2015ની કલમ 3(1થી5)નો ઉમેરો કરવામાં આવ્યો છે. તાજેતરમાં પકડાયેલા જીએસટી ગેરરીતિ કૈૌભાંડમાં ફિરોઝ મહેબુબભાઇ પઠાણ ઉર્ફે રાજુમામા, ઇમરાન ઇબ્રાહિમભાઇ મેમણ ઉર્ફે બીડીબાપુ, ઇરફાન રસુલભાઇ ગોરી ઉર્ફે ચિચુડો, મહંમદ અલીભાઇ કુરેશી ઉર્ફે મહંમદદાદા, આસિફ હારૂનભાઇ દૌલા ઉર્ફે તેલિયા અંગે ચોંકાવનારી વિગતો સ્ટેટ જીએસટીને હાથ લાગી છે. ઉલ્લેખનીય બાબત છે કે, કૌભાંડમાં આરોપી તરીકે રાજકોટના જતીન પ્રફુલ કક્ક્ડનું નામ પણ સામે આવ્યું છે જે અગાઉ પણ આ પ્રકારે જીએસટી અને ટેક્સચોરી મામલે પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
ગુજસીટોક તળેની ફરિયાદના આરોપીની યાદી
- અમનભાઈ હુસેનભાઈ ચૌહાણ
- ખાલીદભાઈ હયાતભાઈ ચૌહાણ
- રાજુભાઈ કાળુભાઈ ચૌહાણ
- સલીમ (રેહાન) મનસુરભાઈ શરમાળી
- શાહરૂખ મહંમદભાઈ શેખ
- નીઝામભાઈ ગનીભાઈ ચુડેસરા
- અહમદભાઈ ઉર્ફે અમીન ઉર્ફે નાડો યુનુસભાઈ કરમાણી
- શાહરૂખ ઉર્ફે ભુરો યુસુફભાઈ પઠાણ
- વસીમ ઉર્ફે સાવજ મહેબુબભાઈ
- અકીલ ફીરોજભાઈ પંજવાની
- નદીમભાઈ સલીમભાઈ કુરેશી
- જાકીરહુસેન ઉર્ફે મુર્થી વહાબભાઈ ખોખર
- રીયાઝ ઉર્ફે બાવલુ રઝાકભાઈ ગોગડા
- ફીરોઝખાન ઉર્ફે પીન્ટુ ગફારખાન પઠાણ
- મહંમદહુસેન ઉર્ફે બાદશાહ ઈસ્માઈલભાઈ કટારીયા
- જુનેદ ઉર્ફે બાપુ મેશાનભાઈ સૈયદ
- અમીન ઉર્ફે મચ્છર યુનુસભાઈ કીટાવાલા
- કાસીમભાઈ શોકતઅલી ગોવાણી
- જુનેદભાઈ રફીકભાઈ ગોગડા
- જતીનભાઈ ઉર્ફે જલારામ પ્રફુલભાઈ કક્કડ (રાજકોટવાળો)
આજીવન કેદની સજા સાથે પરીવાર અને મિત્રોની સંપત્તિ પણ જપ્ત કરવાની પણ જોગવાઈ : એસ કે વોરા
રાજકોટના સરકારી વકીલ અને 100 કેસમાં સજા પડાવવાનો રેકોર્ડ ધરાવનાર એસ કે વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજસીટોક-2015 તળે આજીવન કેદની સજાનું પ્રાવધાન છે. આ બિનજામીનપાત્ર ગુનામાં ઇન્વેસ્ટિગેશન પુરૂ કરી ચાર્જશીટ રજૂ કરવાની સમય મર્યાદા 180 દિવસની છે અને સમયમર્યાદામાં જો ચાર્જશીટ ફાઇલ થઇ ન શકે તો તપાસ અધિકારીના યોગ્ય કારણના આધારે સમયમર્યાદા વધારી શકાય છે.
ગુજસીટોકમાં તપાસ ડીવાયએસપી નીચેની રેન્કના કરી ન શકે, અને આરોપીના સ્ટેટમેન્ટ એસ.પી.કક્ષાના અધિકારી લઇ શકે છે. જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી આરોપીઓ જામીન અરજી કરી શકતા નથી. કાયદામાં આરોપીઓએ ગેરકાયદે લીધેલા આર્થિક લાભથી ઉપાર્જીત કરેલી મિલકતો સીઝ કરવાનું પ્રાવધાન છે અને ફકત આરોપી જ નહિ પરંતુ પરિવારના સભ્યો અને જરૂર પડ્યે સંડોવણી ખુલતા મિત્રોની સંપત્તિ પણ જપ્ત કરી શકાય છે. ઉપરાંત બેંક ખાતા ફ્રીઝ અને સીઝ થઇ શકે છે.
દેશવ્યાપી કૌભાંડનો થયો પર્દાફાશ : 13345 બોગસ પેઢીઓની ઓળખ કરાઈ
ભાવનગર જિલ્લામાંથી ઉજાગર થયેલા કૌભાંડના આધારે સમગ્ર દેશમાં તપાસ કરવામાં આવતા બોગસ બિલિંગ કૌભાંડમાં ગુજરાત દેશભરમાં અવ્વલ નંબરે હોવાનું સામે આવ્યું છે. ત્યારે જ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસની મદદથી રાજ્યવ્યાપી દરોડા પાડીને કુલ 13345 બોગસ પેઢીઓ શોધી કાઢવામાં આવી હતી. આ પૈકી 4308 ગુજરાતમાં રજિસ્ટર્ડ હતી. 9037 ગુજરાત બહાર નોંધાયેલી હતી. આ પ્રકરણમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 5 ફરિયાદ કરવામાં આવી છે. 141 કૌભાંડીની ધરપકડ કરવામાં આવી હતી.
સતત આવી પ્રવૃત્તિ કરતા લોકો સામે ગુજસીટોકનો અમલ
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારએ મામલામાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જીએસટી ચોરી કરતા તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સતત આવી પ્રવૃત્તિ થતી અટકાવવા માટે ગુજસીટોકનું હથિયાર ઉગામવામાં આવ્યું છે. સાથે સાથે પોલીસે આ ગુના હેઠળ 14 લોકોને કસ્ટડીમાં પણ લઇ લીધા છે. આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.