કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી : રૂ. 1571 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટથી ઉદ્યોગોના માલ પરિવહનમાં થશે સરળતા
રાજ્યમાં સૌપ્રથમ સામખયાળીથી ગાંધીધામ વચ્ચે રેલવે ફોર લાઈન ટ્રેક નાખશે. કેન્દ્રીય કેબિનેટે આ પ્રોજેકટને લીલીઝંડી આપી દીધી છે. રૂ. 1571 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટથી ઉદ્યોગોના માલ પરિવહનમાં સરળતા થવાની છે.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા સાત જેટલા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રૂ. 32,500 કરોડના આ સાત પ્રોજેક્ટમાં ગુજરાતમાં એક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર ફોર લાઈન ટ્રેક બનાવવામાં આવશે. કચ્છના સામખયાળીથી ગાંધીધામ સુધી રૂ. 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક નાખવામાં આવશે. ફોર લાઇન ટ્રેક થવાથી ગુજરાતના બંદરોનો સર્વાંગી વિકાસ થશે અને ઝડપથી માલસામાન અને પેસેન્જરની સુવિધામાં વધારો થશે.
અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સુધીરકુમાર શર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટ દ્વારા રેલવેના મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદ ડિવિઝનમાં સામખયાળી-ગાંધીધામ રેલવે ટ્રેક હવે ફોર લાઈન ટ્રેક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 1571 કરોડના ખર્ચે ચાર લાઈન ટ્રેક બનશે. સામખયાળી સુધી બે લાઈન આવે છે. જેમાં એક લાઈન અમદાવાદથી વિરમગામ થઈ અને કચ્છ તરફ અને બીજી લાઈન પાલનપુર તરફથી સામખયાળી સુધી આવે છે. જોકે સામખયાળીથી ભુજ-ગાંધીધામ તરફ હાલમાં ડબલ ટ્રેક છે.
જખૌ, કંડલા, મુન્દ્રા અને ટુના બંદરને થશે ફાયદો
ગુજરાતના ચાર જેટલા બંદરો જખૌ, કંડલા, મુન્દ્રા અને ટુના બંદરો સુધી સરળતાથી માલસામાન માટેની સરળતા રહે તેના માટે થઈને ડબલ ટ્રેકને હવે ફોર ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. સામખયાળી સેકશનમાં 53 કિલોમીટરના 112 કિમી ટ્રેક વિસ્તારને હવે ફોર ટ્રેક બનાવવામાં આવનાર છે. માત્ર માલ સામાનના આવનજાવન માટે ગુડ્સ ટ્રેન જ નહીં પરંતુ પેસેન્જર ટ્રેનને પણ ફાયદો થશે. સામખયાળી અને ભુજની આસપાસ અનેક સિમેન્ટ અને મીઠાના ઉદ્યોગને સંકળાયેલી ફેક્ટરીઓ વગેરે આવેલું છે. જેના કારણે ત્યાં હજારો કારીગરો- મજૂરો કામ કરવા આવે છે. જેને લઈને પણ ફાયદો થશે.
32,500 કરોડના 7 પ્રોજેક્ટથી 7.06 કરોડ માનવદિવસની રોજગારીનું સર્જન થશે: રેલવે દ્વારા જણાવવામાં આવતું છે કે મંત્રીમંડળ દ્વારા દેશમાં કુલ 2339 કિલોમીટરના 7 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેની કુલ કિંમત આશરે રૂ.32500 કરોડ છે. હાલ લાઈનની ક્ષમતા વધારવા, ટ્રેનના સંચાલનને સરળ બનાવવા, ભીડ ઘટાડવા અને મુસાફરી તેમજ પરિવહનની સરળતા વધારવા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેના થકી આશરે 7.06 કરોડ માનવ દિવસ માટે સીધી રોજગારીનું સર્જન થવાનું છે.