દુષ્કર્મ-હત્યાના કેસોમાં એક ડઝન ગુનેગારોને અપાયો મૃત્યુદંડ !!

ગુજરાતમાં આ વર્ષે આઠ મહિનામાં 11 કેસમાં 50 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, જે 1960 માં ગુજરાત રાજ્યની રચના પછી ઐતિહાસિક ઘટના છે.  કોર્ટના દસ્તાવેજ મુજબ કુલ 50 મોતની સજામાં 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષીતોને ફટકરાયેલી ફાંસીની સજા મુખ્ય છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસ દરમિયાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષીતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અન્ય ફાંસીની સજાઓ મુખ્યત્વે હત્યા અને દુષ્કર્મના ગુનામાં ફટકારવામાં આવી છે.

દુષ્કર્મના ગુનામાં હવે ન્યાયતંત્ર આકરું વલણ દાખવી રહ્યું છે. તેમાં પણ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ફાંસીની સજા ફટકારવામાં કોર્ટ બિલકુલ પાછીપાની કરતી નથી. ઉપરાંત સગીર બાળાઓને પિંખી નાખનાર નરાધમોને પણ મોતની સજાઓ ફટકારવામાં આવી છે.  ગુજરાતમાં આ વર્ષે મૃત્યુદંડની સજાનો આંકડો રાજ્યની અદાલતો દ્વારા અગાઉના 15 વર્ષોમાં આપવામાં આવેલી કુલ સંખ્યાની બરાબર છે. 2022 પહેલા વર્ષ 2011માં આ સજાની સૌથી વધુ સંખ્યા 13 હતી, જ્યારે 2002 ના ગોધરા ટ્રેન કાંડ કેસના મોટાભાગના દોષિતોને ફાંસીની સજા મળી હતી.

2006 અને 2021 ની વચ્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા દુર્લભ અપરાધો માટે મૃત્યુદંડની સજા પામેલા 50 વ્યક્તિઓમાંથી હાઇકોર્ટે ચાર કેસોમાં મહત્તમ સજાને યથાવત રાખી છે. ડિસેમ્બર 2019 માં હાઇકોર્ટએ ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા માટે સુરતના અનિલ યાદવને ફાંસીની સજાની પુષ્ટિ કરી હતી. 2010 માં હાઇકોર્ટએ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના કેસમાં આદમ અજમેરી, મુફરી અબ્દુલ કયૂમ મન્સુરી અને શાનમિયા ઉર્ફે ચાંદ ખાનની ફાંસીની સજા યથાવત રાખી હતી. જો કે, ત્રણેયને 2014 માં સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.

આટલા ટૂંકા ગાળામાં મૃત્યુદંડની સજામાં કરાયેલો નોંધપાત્ર વધારો ચોક્કસ સમાજમાં રહેલા ગુનેગારો માટે એક સંદેશ છે. અમદાવાદના ભૂતપૂર્વ મુખ્ય સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકે કહ્યું છે કે, આ ચોક્કસ ન્યાયાધીશનો વ્યક્તિગત પરિપ્રેક્ષ્ય છે. જો ન્યાયાધીશો નિષ્કર્ષ પર આવે છે કે ગુનો ભયાનક છે અને સમાજને સંદેશ મળવો જોઈએ તો તેઓ મૃત્યુદંડ આપી શકે છે.

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમવાર 50 દોષીતોને ફાંસીની સજા ફટકારાઈ !!

ગુજરાત રાજ્યની વર્ષ 1960માં સ્થાપના થઇ હતી. તે બાદ એવું પ્રથમવાર બન્યું છે કે, ફક્ત 8 માસમાં જ 50 ગુનેગારોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હોય. વર્ષ 2022ના ફક્ત 8 જ માસમાં 50 જેટલા ગુનેગારોને મોતની સજા ફટકારવામાં આવી છે. જેમાં વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ કે જેમાં અસંખ્ય અસંખ્ય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો તેના 38 આતંકીઓને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

2008 સિરિયલ બ્લાસ્ટ કેસના 38 દોષીતોને મૃત્યુદંડ

વર્ષ 2008માં અમદાવાદ અને સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરાયાં હતા જેના દેશભરમાં પડઘા પડ્યા હતા. આ કેસમાં અમદાવાદની વિશેષ અદાલતે આશરે 7 હજાર પાનાનો ચુકાદો આપતા 49 દોષીતો પૈકી 38 ને મૃત્યુદંડ આપ્યો હતો જ્યારે અન્ય 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. નિર્દોષ લોકોના પ્રાણ હરનારાઓને કોઈ પણ શરતે માફી ન આપી શકાય તેવો સંદેશ પાઠવતા અદાલતે આ ચુકાદો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.