અગાઉ અરવિંદભાઇ મણીયાર, વજુભાઇ વાળા અને અરવિંદભાઇ રૈયાણી કોર્પોરેટર પદે ચાલુ હતા ત્યારે જ ધારાસભ્ય બન્યાં અને બન્ને હોદ્ાઓ પર પક્ષે ચાલુ રાખ્યા હતા
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીએ એક રિતે વિક્રમ સર્જક રહી હતી. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં ભાજપે સૌથી વધુ બેઠક જીતવાનો નવો જ કિર્તીમાન પ્રસ્થાપીત કર્યો. સૌથી વધુ લીડ, સૌથી વધુ મત સૌથી વધુ બેઠકના રેકોર્ડ બન્યાં. સતત બીજીવાર ગુજરાતની ગાદી પર પાટીદાર મુખ્યમંત્રી સત્તારૂઢ થયા. દરમિયાન રાજકોટ મહાનગર પાલિકાના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે બે સિટીંગ કોર્પોરેટરો ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જે પૈકી એકને રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૂર્વે ક્યારેય એક સાથે બે સિટીંગ કોર્પોરેટરોને ભાજપ દ્વારા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી ન હતી.
વોર્ડ ફતેહ કરનાર નેતા પર જ કોઇપણ પક્ષ વિશ્ર્વાસ મૂકતો હોય છે અને વિધાનસભાની ચૂંટણી જંગમાં ઉતારવાની હિંમત કરતો હોય છે. રાજકોટની અલગ-અલગ બેઠકો પરથી ધારાસભ્ય પદે ચૂંટાનારા 11 નેતાઓ કોર્પોરેટર તરીકે અગાઉ ચૂંટાય આવ્યા હતા. રાજકોટના વિકાસના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ મેયર અરવિંદભાઇ મણીયાર પ્રથમ એવા કોર્પોરેટર હતા. જેઓ મેયર પદે સત્તારૂઢ હતા ત્યારે જ તેઓને ભાજપે વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં. તેઓ રાજકોટવાસીઓનો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહ્યા હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. ભાજપે અરવિંદભાઇ મણીયારને ધારાસભ્ય અને મેયર એમ બન્ને પદે યથાવત રાખ્યા હતા.
ત્યારબાદ આવું બહુમાન મેળવનારા વજુભાઇ વાળા રાજકોટ મહાનગર પાલિકાના બીજા કોર્પોરેટર હતા. તેઓ મેયર તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે જ ભાજપે તેઓને વિધાનસભાની ચૂંટણી લડાવી વજુભાઇ વાળા ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા તેઓને પક્ષ પક્ષે કોર્પોરેટર પદ છોડવાની કોઇ ફરજ પાડી ન હતી. તેઓ મેયર અને ધારાસભ્ય એમ બન્ને પદ ભોગવ્યા હતા. આવા ત્રીજા નેતા 2017માં અરવિંદભાઇ રૈયાણી બન્યા હતા. જેઓ શાસક પક્ષના નેતા તરીકે ચાલુ હોવા છતાં તેઓને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના કબ્જામાં રહેલી આ બેઠક તેઓ ભાજપને અપાવવામાં સફળ રહ્યા હતા અને તોતીંગ લીડ સાથે ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓને પણ પક્ષે મુદ્ત પૂર્ણ ન થઇ ત્યાં સુધી શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર તરીકે ચાલુ રાખ્યા હતાં.
રાજકોટ મહાનગર પાલિકાના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે બે સિટીંગ કોર્પોરેટરોને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી. આ બન્ને મહિલાઓ જનાદેશ હાંસલ કરવામાં સફળ રહી અને કોર્પોરેશનમાં એક નવો જ કિર્તીમાન પ્રસ્થાપીત થયો. જેમાં એક સાથે બે સિટીંગ કોર્પોરેટરો ધારાસભ્ય બન્યાં આટલુ જ નહીં. કોર્પોરેટરપદે ચાલુ હોવા છતા ભાનુબેન બાબરિયાને રાજ્ય સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હોવાની પણ પ્રથમ ઘટના છે. કારણ કે અગાઉ અરવિંદભાઇ મણીયાર, વજુભાઇ વાળા અને અરવિંદભાઇ રૈયાણીને કોર્પોરેટર અને ધારાસભ્ય એમ બન્ને પદે ચાલૂ રાખવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ત્રણ પૈકી એકેયને મંત્રી પદ આપવામાં આવ્યુ ન હતું.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને વિજયભાઇ રૂપાણી, પૂર્વ મંત્રી ઉમેશભાઇ રાજ્યગુરૂ અને ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મણીભાઇ રાણપરા, સિધ્ધાર્થભાઇ પરમાર, ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ અને વર્તમાન ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અગાઉ રાજકોટ મહાનગર પાલિકાના કોર્પોરેટર રહી ચૂક્યા છે અને અલગ-અલગ હોદ્ાઓ પર સેવા પણ આપી ચૂક્યા છે. મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે જ્યારે બે મહિલા સિટીંગ કોર્પોરેટર ભાનુબેન બાબરિયા અને ડેપ્યૂટી મેયર ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. હવે આ બન્નેને કે બે પૈકી કોઇ એક નગરસેવિકાને કોર્પોરેટર પદથી રાજીનામું અપાવી દેવામાં આવશે. તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.
2 પૂર્વ કોર્પોરેટરો મુખ્યમંત્રી બન્યાં, 1 રાજ્યપાલ અને ચારે મંત્રી પદ શોભાવ્યું
રાજકોટ મહાનગર પાલિકા કોર્પોરેટરો માટે ખરેખર શુકનવંતી છે કારણ કે નગરસેવક કે નગરસેવીકા તરીકે ચૂંટાયા બાદ 13 કોર્પોરેટરોને ધારાસભ્ય બનવાનું બહુમાન મળ્યું છે. જેમાં બે પૂર્વ કોર્પોરેટરો તો ગુજરાતના નાથ અર્થાત્ મુખ્યમંત્રી બનવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કેશુભાઇ પટેલ અને વિજયભાઇ રૂપાણીએ પોતાનો રાજકીય ઇનીંગનો આરંભ રાજકોટ મહાનગર પાલિકાના નગરસેવક તરીકે કર્યો હતો ત્યાર બાદ આ બન્ને મહાનુભાવોની રાજકીય કારર્કિદીને વેગ મળ્યો અને ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા. જ્યારે વજુભાઇ વાળાએ વર્ષો સુધી ગુજરાત સરકારમાં નંબર-ટુનું સ્થાન અર્થાત્ નાણામંત્રીનું પદ ભોગવ્યું અને સાત વર્ષ સુધી કર્ણાટકના રાજ્યપાલ રહ્યા. આ ઉપરાંત ઉમેશભાઇ રાજ્યગુરૂ, ગોવિંદભાઇ પટેલ અને અરવિંદભાઇ રૈયાણી મંત્રી બન્યા હતાં. રાજકોટ મહાપાલિકા કોઇપણ રાજનેતા માટે હમેંશા શુકનવંતી સાબિત થઇ છે.
ભાનુબેને ઇતિહાસ રચ્યો: કોર્પોરેટર સાથે કેબિનેટ મંત્રી પણ!!
કેબીનેટ મંત્રી તરીકે કામનું ભારણ વધુ હોય ગમે ત્યારે કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેશે
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇ આવેલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ નવો જ કિર્તીમાન સ્થાપીત કર્યો છે. તેઓ કોર્પોરેટર પદે ચાલુ હોવા છતાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં પ્રથમવાર કોઇ મહિલા ધારાસભ્યને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
હાલ તેઓ કોર્પોરેટર પણ છે અને કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. જો કે કેબિનેટ મંત્રી પાસે કામનું ભારણ વધુ હોવાના કારણે ભાનુબેન આગામી દિવસોમાં કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેશે તે વાત લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. અગાઉ કોર્પોરેટર પદે ચાલુ હોય તેવા ત્રણ નેતાઓ ધારાસભ્ય બન્યા હતા. પરંતુ તેઓને ત્યારે મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યુ ન હતું. ભાનુબેન બાબરિયા એવા પ્રથમ નેતા છે જે કોર્પોરેટર પણ છે અને કેબિનેટ મંત્રી પણ.