ગરબા સ્થાપન માટે આજે સાંજે ૬:૧૯ થી ૭:૫૨ સુધીનો સમય શુભ છે.
સોમવારે ૨૬મીએ દશમના દિવસે સવારે ૯:૪૦ થી ૧૧:૦૫ સુધી ગરબો પધરાવવા જવાનું મુહૂર્ત શુભ છે.
કોરોના મહામારીના કારણે આ વર્ષે નવરાત્રી બંધ હોવાથી કાઠિયાવાડી સંસ્કૃતિના આભુષણ સમા દાંડિયારાસ અને માતાજીના નવસ્વરૂપનું ઘરમાં ખરાઅર્થમાં સાચુ પૂજન થશે
“કુમ કુમનાં પગલા પડયા, માડીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે…મારી તારા આવવાના એંધાણ થયા રે..
આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈતિહાસમાં પ્રથમવાર આપણી કાઠિયાવાડની સંસ્કૃતિના આભુષણસમા દાંડિયા રાસ બંધ છે. ર્માં નવદુર્ગા-ર્માં ભવાનીના આવવાના એંધાણ થયા છે, પણ લોકો ટોળે વળીને જોવા ભેગા નહીં થાય. આ વર્ષે કોરોનાને કારણે આપણો આ તહેવાર નહીં ઉજવી શકાય પણ ઘરમાં આ ઉત્સવ રંગેચંગે ઉજવવાની તૈયારી સૌરાષ્ટ્રવાસીઓ સાથે રાજકોટે પણ કરી લીધી છે. અધુરા ઓરતા સાથે ઘરે નોરતા-નવરાત્રીની જમાવટ જોવા મળશે.
ગરબે રમવું ને ગરબાનું પૂજન કરવું. આ ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં કુલ ૨૭ છિદ્ર હોય છે. ૯ની ત્રણ લાઈન એટલે ૨૭ છિદ્રો તે ૨૭ આપણા નક્ષત્રો છે. દરેક નક્ષત્રને ચાર ચરણ હોય છે તેથી ૨૭૪=૧૦૮. નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખીને ૧૦૮ વખત ગરબા રમવાથી અથવા ઘુમવાથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે અને આના ગરબે રમવાનું મહાત્મય છે. આજનો યુવા વર્ગ ડિસ્કો દાંડિયાની રાસ ઝરમરમાં રુમઝુમ થાય છે પણ પ્રાચિન ગરબીના મહત્વને અર્વાચિન રાસોત્સવ ના સમજી શકે.
આજથી પ્રથમ નોરતું ને ૨૬મીએ દશેરાના હોમ હવન થશે. આને શરદ નવરાત્રી પણ કહે છે. આપણા ગુજરાતી કેલેન્ડરમાં ચાર નવરાત્રી આવે છે જેમાં આ આસો માસની નવરાત્રી સૌથી મોટી ગણાય છે. બાકી ચૈત્ર-અષાઢને મહા નવરાત્રી પણ હોય છે પણ તેનું આ નવરાત્રી જેટલું મહત્વ નથી હોતું. શક સવંત એ આપણું હિન્દુ વૈદિક સંવત છે. ચૈત્રથી શરૂ કરીને ફાગણ સુધીના મહિનાઓ આવે છે. દરેક મહિનામાં પંદરમે દિવસે અમાસ આવે છે એટલે પ્રથમ વદપથી કહેવાય ને પછીનાને સુદ કહેવાય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાગ ગણવામાં આવે છે.
નવરાત્રી કે નવરાત્રા એક હિંદુ ઉત્સવ છે જેમાં શકિતની પૂજા અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવ-રાત્રી એટલે સતત નવ દિવસનો દુનિયાનો સાંથી લાંબો ઉજવાતો શકિત ઉત્સવ. જેમાં નવ સ્વરૂપો દેવીનાની પુજા કરવામાં આવે છે. આ નવ સ્વરૂપમાં શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્ક્રંદમાતા, કાત્યાની, કાલરાત્રી, મહાગૌરી અને સિઘ્ધિદાત્રી છે. નવરાત્રી આસો સુદ એકમથી નોમ સુધીનો ઉત્સવ છે જેમાં ગરબા-ગરબી, પુજા, ઉપવાસને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસોએ હિંદુ લોકો નવદુર્ગાનું વ્રત, સ્થાપન તથા પૂજન કરે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન કરે છે. આઠમનાં હોમ-હવનમાં કુમારિકાઓને ભોજન પણ કરાવે છે.
નવરાત્રી દરમ્યાન શકિતના નવ સ્વરૂપોની પુજામાં દુર્ગા, ભદ્રકાલી, અંબા, જગદંબા, અન્નપૂર્ણા, ભૈરવી, ચંડી, લલિતા ભવાની જેવા સ્વરૂપોની પૂજા થાય છે. નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ. નવરાત્રી આવતા જ ચોમેર દિશાનું વાતાવરણ ભકિતમય બની જાય છે.
નવરાત્રીમાં વ્રતના નિયમોમાં પૂજાના સ્થાનની સાફ-સફાઈ સાથે એક વાર જ ભોજન લેવું. આ વ્રતમાં પવિત્રતાની કાળજી રાખવીને ડુંગળી-લસણ ન ખાવા. નવ દિવસ સતત ધ્યાન, સ્મરણ, ભજન, ગરબા પૂજનને ર્માંના ગરબાને આદ્યશકિતનું સ્મરણ કરવું.