યાર્ડના વેપારીને ઢીંકે ચડાવી મોતને ઘાટ ઉતારનાર રખડુ ગાયના માલિક સામે પોલીસ કાર્યવાહી કરશે
અઠવાડિયા પૂર્વે વૃદ્ધ ઘર નજીક દૂધ લેવા નિકળ્યા ત્યારે ગાયે ઢિકે ચડાવી ખૂંદી નાખ્યાં હતા

 

રાજકોટમાં પ્રથમ વાર એક ઢોર માલિક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક ત્રિલોક પાર્ક પાસે રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા ઘર પાસે જ ગાયે ઢીકે ચડાવતા તેનું મોત નીપજતા યુનીવર્સીટી પોલીસે ઢોર માલીક સામે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ હાથધરી છે આ બનાવ બાબતે પોલીસે રખડતા ઢોર માલીકો સામે લાલ આંખ કરી ગુનો નોંધતા અન્ય રખડતા ઢોરના માલિકોમાં ફફડાટ મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ત્રિલોક પાર્કમાં રહેતા વૈભવભાઈ રસિકલાલ ઠકરાર ( ઉ.36)એ યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે ગાયના અજાણ્યા માલીકનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 8ના રોજ સવારે માર્કેટિંગ યાર્ડમાં કમીશન એજન્ટનું કામ કરતા પિતા રસિકલાલ ઠકરાર ઘર પાસે પગપાળા દૂધ લેવા જતા હતા તે દરમ્યાન ગાયે ઢીકે ચડાવતા તેને જાણ થતા તે પણ ત્યાં દોડી ગયા હતા તે દરમ્યાન અજાણ્યા લોકો પણ ગાયને દુર કરવાની કોશિષ કરતા હોય પરંતુ ગાય દુર જતી જ ન હોય તે દરમ્યાન ત્યાંથી ટ્રેક્ટર ચાલક નીકળતા તેને મદદ માટે બોલાવ્યા હતા

જેથી ટ્રેકટર વચ્ચે રાખી ગાયને દુર કરી રસિકલાલને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલેખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે યુનીવર્સીટી પોલસી મથક દ્વારા એક અઠવાડિયા બાદ ઢોર માલીક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજ માર્ગો પર રખડતા ઢોરના પ્રશ્ને અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે, તે અંગે તંત્ર એકશનમાં આવ્યું છે અગાઉ મહાનગર પાલિકાની ઢોર પકડ પાર્ટી પર પર મીર્ચી સ્પ્રે છાંટી હુમલો કરવાના બનાવમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે અગાઉ પકડાયેલા 6 શખસો સામે પાસાનું શસ્ત્ર ઉગામવ્યું હતું. ત્યારબાદ વેપારીને ઢીંકે ચડાવી છૂંદી નાખી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં રખડતા ઢોર માલિક સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરી છે. ઢોર માલિક વિરુદ્ધ રાજકોટમાં આ પ્રથમ બનાવ બન્યો છે. જેથી રખડતા ઢોરના માલિકોમાં ગુનો નોંધાતા ફફડાટ મચી જવા પામી છે.

પરંતુ હાલ ચૂંટણીનો સમય ચાલી રહ્યો હોવાથી ઢોર પકડ કામગીરી કાચબા ની ગતિએ ચાલતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ચૂંટણી પહેલા આરએમસી દ્વારા રોજના 50 થી પણ વધારે રખડતા ઢોરને પીંજરે પુરવામાં આવતા હતા પરંતુ ચૂંટણી બાદ તે કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવી રહી છે જેથી ઘણા માર્ગો પર રખડતા ઢોરના કારણે લોકોમાં ભય પશરી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.