રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધમધોકાર ચાલુ છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 40 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત હિરણ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા હતા. એક દરવાજામાંથી પ્રતિ સેકન્ડ દોઢ લાખ ક્યુસેક પાણીનો જથ્થો બહાર આવ્યો હતો.રાજ્યના અનેક ડેમમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના ભાગોળે આવેલ ઠેડી ડેમ છલકાયો હતો જ્યારે ભાદર-1 ડેમમાં નવા નીર આવતા પાણીની આવકમાં વધારો થયો હતો.
અમરેલીના ભાગોળે આવેલ ઠેબી ડેમ છલકાયો છે. ઠેબી ડેમના 3 દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે. અમરેલી, ચાપાથળ, ફતેપુર, પ્રતાપરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઠેબી ડેમ ઓવરફ્લો થવાથી અમરેલી શહેરમાં જમીની તળ ઉંચા આવશે. ઠેબી ડેમ ઓવરફ્લો થતા શહેરીજનો ઉમટી પડ્યા હતા.સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો અને સિંચાઇમાં પ્રથમ નંબરના ભાદર-1 ડેમની સપાટીમાં વધારો થયો છે. ભાદર-1 ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે.
જેતપુર ભાદર-1 ડેમની સપાટી 26.20 ફૂટે પહોંચી છે. ભાદર ડેમની કુલ સપાટી 34 ફૂટ છે. ભાદર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદને પગલે પાનેલાની ફુલઝર ડેમમાં પાણીની આવક વધી હતી. ફુલઝર નદી ઓવરફ્લો થતા ગાંડીતૂર બની છે.