જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂપિયા 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેરીની બાગ ધરાવતા ખેડૂતો, ઇજારાદારોની આર્થિક હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે, તોઉ તે વાવાઝોડાએ સોરઠ પંથકમાં વિનાશ સર્જી દેતા આંબે લટકતી લાખો રૂપિયાની કેસર કેરી અકાળે ખરી પડતાં ખેડૂતો અને ઇજારાદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ફ્રૂટના વેપારી અને મનપાના વિરોધ પક્ષના નેતા અદ્રેમાન ભાઇ પંજાના જણાવ્યા અનુસાર, આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 60 હજારથી વધુ કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા હતા, પરંતુ વધુ પ્રમાણમાં કેરીઓ વેચાણમાં આવતાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આજે 5 થી 8 રૂપિયામાં એક કિલોના ભાવે કેરીનું વેચાણ થયું હતું ટૂંકમાં કહીએ તો કેરીનું 10 કિલોના બોક્ષ માત્ર રૂપિયા 50 થી લઈને 80 ના ભાવમાં હરાજી થવા પામ્યા હતા.આ અંગે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા 1200 થી 1500 રૂપિયાનું બોક્સ વેચાતું હતું.
તે વાવાઝોડા પહેલા 500 થી 700 રૂપિયામાં વહેચાયા હતા અને આજે યાર્ડમાં કેરીની તોતિંગ આવક થતા માત્ર રૂ. 50 થી 80 રૂપિયામાં 10 કિલો કેરીના બોક્ષ વહેચાયા હતા.
દરમિયાન આજે માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીનું વેચાણ કરવા આવેલા આંબાવાડિયા ના ખેડૂતો અને અરજદારોના ચહેરા ભારે ચિંતિત હતા તેમના જણાવ્યા અનુસાર એક તરફ કોરોનાના કારણે મજૂરો મળતા ન હોવાથી મોંઘી મજૂરી ચૂકવવી પડી હતી, અને અધૂરામાં પૂરું હોય તેમ જ્યારે આંબા ઉપર કેરીમાં સાખ બેસવાનો સમય આવ્યો હતો
ત્યારે જ અચાનક વાવાઝોડું ત્રાટકતાં અકાળે મોટાભાગની કેરીઓ ખરી પડતા કેરીઓ હાલમાં કોડીના ભાવે વેચાઇ રહી છે, અને હવે આંબા ઉપર કેરીઓ પણ નહિવત્ રહી છે અને ઉપરથી વાવાઝોડા સાથે વરસાદ પડયો હોવાથી આ કેરીના પણ પુરતા ભાવ મળશે નહીં ત્યારે અમારે ભારે આર્થિક નુકસાની વેઠવી પડશે.
સરકાર કેરીના ખેડૂતોનું ભલું વિચારી તાત્કાલીક સર્વે કરે અને સહાય કરે તેવી પણ માંગ આજે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોમાંથી ઉઠવા પામી હતી.સોરઠના મેંદરડા, સાસણ, વંથલી, કેશોદ અને જૂનાગઢના આસપાસનાં ગામડાંઓ તથા જંગલ વિસ્તારમાં કેસર કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને આ કેરીઓ દેશ-વિદેશના સ્વાદ પ્રેમીઓની માનીતી અને પ્રિય ફળ મનાય છે અને એટલે જ કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે.પરંતુ આ ફળના રાજા એવી કેસર કેરીએ તેના ખેડૂતો અને ઇજારોદારોને આજે રંક બનાવી દીધા છે અને સોરઠ પંથકની કેરી સોરઠના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રૂપિયા આઠના કિલોના ભાવે વહેંચાય છે.