- સુરતમાં ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા
સુરત : ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ટેકનિકલ સર્વલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે. આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટ ની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે. ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે.
ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ક્યારેક કસ્ટમના અધિકારી, ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે. જેમાં આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલીફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ગુજરાતમાં પ્રથમ વાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે.
પુરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી
સ્કેચના એક્સપર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે. હાલ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પુરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી, જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે. જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મુકશે. જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે. અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઈમ ની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવતા હતા. પરંતુ પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે.
ડિજિટલ એરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે
આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, ડિજિટલ એરેસ્ટ કરનાર લોકો સીન ક્રિએટ કરે છે. યુનિફોર્મ પહેરીને બેસે છે. ક્યારે કસ્ટમના અધિકારી બનીને બેસે છે. જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે. આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે. લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે. જે લોકો બેસીને ડિજિટલ એરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે. એમને પકડવા માટે અમારો પ્રયાસ છે.
સ્કેચ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટ થી પકડાય જાય છે. પરંતુ આ ઓપરેટ કરનાર લોકો પકડાઈ જાય આ માટે અમે જે રીતે ફરિયાદીઓના નામ મળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે. આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટની ઘટનાને અંજામ આપે છે. અગાઉ એક્ચ્યુઅલ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવતી હતી . હાલ આ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં શામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે. કારણ કે આરોપીઓ આવી ઘટના એક જ જગ્યાએ નહીં અનેક જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય