ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે નાણામંત્રીએ ક્રાંતિકારી જોગવાઈઓ કરી છે:પ્રથમ વખત ખેડુતોને ખર્ચ કરતા દોઢ ગણુ ઉત્પાદન મુલ્ય મળશે
રાજકોટ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીજીએ સવાસો કરોડથી વધુ દેશબાંધવોના ઉત્કર્ષની નેમ અને દેશના સર્વગ્રાહી વિકાસના લક્ષ્ય સાથે રજુ કરેલું ૨૦૧૮નું કેન્દ્રીય બજેટ સમગ્ર રીતે આવકારદાયક છે તેમ ભારતીય જનતા પક્ષના સિનિયર અગ્રણી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે. તેમણે કૃષિ અને ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, રોજગાર તેમજ આરોગ્યના ક્ષેત્રો પર નાણામંત્રી એ મહત્તમ ભાર મુક્યો હોવાનું જણાવી બજેટને પ્રજાના દરેક વર્ગની ચિંતા સેવનારું અને સહુની ખેવના રાખનારું અનોખું અંદાજપત્ર ગણાવ્યું છે.
એક નિવેદનમાં ધ્રુવે જણાવ્યું છે કે, કૃષિ, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, રોજગારી અને આરોગ્ય આ પાંચ ક્ષેત્રો કોઈપણ સરકાર માટે અત્યંત પડકારરૂપ હોય છે પરંતુ, નાણામંત્રી એ પાંચેય પડકારોને પહોંચી વળવા જે હામ ભીડી છે તે અભૂતપૂર્વ છે. બજેટ તમામ માટે ઉપયોગી સાબિત થશે અને લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે. બજેટમાં જે રીતે ખેડૂતો અને ગ્રામીણ લોકોના વિકાસ માટે ધ્યાન આપવામાં આવ્યું છે તે માટે નાણામંત્રી અભિનંદનને પાત્ર છે. ખેડૂતો અને ગ્રામીણ ભારત માટે બજેટ ક્રાંતિકારી છે. ખેડૂતોનીદશા સુધારવા માટે, ગ્રામીણોને રોજગાર અને છત ઉપલબ્ધ કરાવવા બજેટમાં મોટા પગલા લેવાયા છે.
ખેડૂતો માટે ૧૪.૫૦ લાખ કરોડની ફાળવણી કરાઈ છે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ બહુ મોટું પગલું ભરવામાં આવ્યુ છે. બટેટા, ટમેટા અને ડુંગળી માટે કિશાનોને વ્યાજબી મૂલ્ય મળે તે માટે નોંધપાત્ર જોગવાઈ કરાઈ છે.આ બજેટથી પહેલી વખત ખેડૂતોને ખર્ચ કરતાં દોઢ ગણું ઉત્પાદન મૂલ્ય મળશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય, રૂ. ૨૦૦૦ કરોડના ખર્ચે કૃષિ બજાર ઊભું કરવાની બાબત, એગ્રિકલ્ચર પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. ૧૪૦૦ કરોડની જોગવાઈ, ૨૬૦૦ કરોડ રૂપિયા સિંચાઈ માટે તેમજ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ’ઓપરેશન ગ્રીન’ હાથ ધરવાની બાબતો અભૂતપૂર્વ છે.
નાણામંત્રી જેટલીજીએ કરેલી કરેલી જોગવાઈઓથી ખેડૂતો માટે ક્લસ્ટરસ બનશે, બાવીસ હજારથી વધારે હાટને કૃષિ બજારમાં બદલવામાં આવશે. ગ્રામ્ય વિકાસના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને નાણામંત્રી એ ૧ લાખ ગામડાંમાં વાઇફાઇ, ગ્રામ પંચાયતોને મજબૂત કરવા અઢી લાખ ગામડાંમાં બ્રોડબેન્ડ સેવા, વાઇફાઇ હોટસ્પોટ શરૂ કરવાની જાહેરાત ગામડાઓને શહેરો જેવી સુવીધો પૂરી પાડવાની નેમ દર્શાવે છે. ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડ ગરીબ પરિવારોને મફતમાં ગેસ કનેક્શન આપવાની જાહેરાત અભૂતપૂર્વ અને ક્રાંતિકારી ગણાશે.બેરોજગારીના પડકારને પહોંચી વળવા બજેટમાં ૭૦ લાખ નવી નોકરીઓના સર્જનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નોકરીયાત મહિલાઓ, કામકાજી મહિલાઓ પાસે વધારે પૈસા રહે તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. નવા કામદારોના પગારમાં આગામી ત્રણ વર્ષ માટે ઇપીએફમાં ૧૨ ટકાનું યોગદાન કેન્દ્ર સરકાર તરફથી આપવાની જાહેરાતથી કર્મચારીઓને સામાજિક સુરક્ષા મળશે.