ગુજરાત એટીએસ સતત દરિયાઈ માર્ગે આવતા નશાના સફેદ પદાર્થના કાળા કારોબારને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ જ્યાં નશીલો પદાર્થ વહેંચાઇ રહ્યો છે. ત્યાં સતત દરોડા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. જેમાં ઓખાના દરિયાઈ માર્ગે પાકિસ્તાની બોટ સાથે 10 પાકિસ્તાનીઓને નશીલા પદાર્થ અને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. હાલ ગુજરાત એટીએસએ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે. ત્યારે આ બાબતે ડીજીપી આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વધુ માહિતી આપી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડને ડ્રગ્સની સાથે હથિયારની હેરાફેરીની બાતમી મળી હતી, જેના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS દ્વારા ઓખા પોર્ટથી 140 નોટિકલ માઇલ સુધી જઈને તમામ કામગીરી કરી હતી. ૧૯૯૨ બાદ પ્રથમવાર ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ સાથે હથિયાર ઝડપ્યા હતા.

‘આરોપીઓ 5-6 દિવસ સમુદ્રમાં રહ્યા હતા. ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતું. આ દરમિયાન બોટની અંદર ઉપયોગ થતાં સિલિન્ડરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું ‘બોટ સાથે 10 પાકિસ્તાનીને પકડીને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાક.ના બલૂચિસ્તાનના છે અને ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 300 કરોડ જેટલી છે. ’40 કિલો માદક પદાર્થ સાથે 6 પિસ્તોલ જપ્ત કરવામાં આવ્યું છે. 2022માં કુલ ૬ કેસ થયા છે જેમાં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા છે. ગયા વર્ષે ૩૬ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા વર્ષ ૨૦૨૨માં ૬૩ આરોપીઓને પકડવામાં આવ્યા છે. તેમાં ૩૮ આરોપી પાકીસ્તાન નેશનલ છે અને ૪ અફઘાની નેશનલ છે.

સમગ્ર ઓપરેશન અંગે વાત કરીએ તો 25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ચોક્કસ ગુજરાત એટીએસના સિનિયર અધિકારીને ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા. જેના આધારે આઇસીજી એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇનની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના આઇસીજીએસ અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી.

કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાની બોટમાં સવાર થઈ હતી. તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તપાસ કરતા અંદરથી હથિયારો, દારૂગોળો અને 300 કરોડ રૂપિયાનો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટ અને ક્રૂની ધરપકડ કરી છે. વધુ તપાસ માટે બોટને ઓખા લાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.