સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મવડી ટીપી સ્કીમ નં.૨૮ માં ૧ બેડના ૨૧૯, ૨ બેડના ૪૩૨ અને ૩ બેડના ૪૯ ફલેટ બનશે: મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓની જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ આજે મહાપાલિકાના કર્મચારીઓને ચુંટણીલક્ષી ભેટ આપી છે. તમામ વર્ગના કર્મચારીઓ માટે મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ૯૫ કરોડના ખર્ચે ૮૦૦ આવાસ બનાવવામાં આવશે તેવી જાહેરાત આજરોજ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતા કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખોનું એલાન બપોરે થાય તે પૂર્વે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, પક્ષના દંડક રાજુભાઈ અઘેરા અને હાઉસીંગ કમિટીના ચેરમેન કિરણબેન સોરઠીયાએ મહાપાલિકાના કર્મચારીઓને ચુંટણીલક્ષી ભેટ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાઉસીંગ હોલનું મીશન લઈને કામ કરી રહ્યા છે. ૨૦૨૨ સુધીમાં દેશમાં કોઈ ઘર વિહોણુ ન રહે તે દિશામાં કામ ચાલી રહ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજના અને પીપીપી યોજના હેઠળ હજારો આવાસો બની રહ્યા છે. મહાપાલિકાના કર્મચારીને પણ ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ બનાવવાનો નિર્ણય પદાધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકાના અલગ-અલગ કર્મચારી યુનિયન દ્વારા હાઉસીંગના પ્લોટ પર કર્મચારીઓ માટે આવાસ બનાવવામાં આવે તેવી અનેકવાર રજુઆત કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખી કર્મચારીઓ માટે શહેરના મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ટીપી સ્કીમ નં.૨૮ (મવડી)ના ફાઈનલ પ્લોટ નં.૪૮/બી ના ૬૦૦૦ ચો.મી. એરીયા તથા પ્લોટ નં.૨૩/એ ના ૧૩૨૬૧ ચો.મી. વિસ્તારમાં ૯૫ લાખના ખર્ચે ૮૦૦ આવાસ બનાવવામાં આવશે. ઈડબલ્યુએસ કેટેગરીના લાભાર્થીઓ માટે ૪૦ ચો.મી. કારર્પેટના ૧ બેડના ૩૧૯ આવાસ બનાવાશે. જેની કિંમત રૂ .૫.૫૦ લાખ રહેશે. જયારે એલઆઈઝી કેટેગરીના લાભાર્થીઓ માટે ૫૦ ચો.મી.ના કારર્પેટ એરીયામાં ૨ બીએચકેના ૪૩૨ ફલેટ બનાવાશે. જેની કિંમત રૂ.૧૨ લાખ રહેશે અને એમઆઈજી કેટેગરીના લાભાર્થીઓ માટે ૬૦ ચો.મી.ના કારર્પેટ એરીયામાં ૪૯ આવાસ બનાવવામાં આવશે. જે નિયમાનુસાર મળવાપાત્ર કર્મચારીઓને ફાળવવામાં આવશે. આવાસ યોજના સાથે મહાપાલિકા દ્વારા કોમર્શીયલ બાંધકામ પણ કરવામાં આવશે. જેના થકી મહાપાલિકાને આવક ઉભી થઈ શકે. કર્મચારીઓને આવાસ માટે લોન મળી રહે તે હેતુથી હુડકો અને રાષ્ટ્રીયકૃત બેંકો માટે લોન અપાવવા પણ મહાપાલિકા મદદરૂપ થશે. કર્મચારીઓ માટે આવાસ યોજના બનાવવાના નિર્ણયથી તમામ વર્ગના કર્મચારીઓ અને યુનિયનમાં ભારે ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે.