પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ‘મારો પરિવાર સુખી પરિવાર’ વિષય પર આહીર સમાજ પ્રેરણા સમારોહમાં ૪૦૦૦થી અધિક જ્ઞાતિજનો જોડાયા
‘આપણે શ્રેષ્ઠ બનીએ અને રાજકોટને શ્રેષ્ઠ બનાવીએ.’ – પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી
વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે રાજકોટ શહેરના મોચી સમાજ માટે ‘આહીર સમાજ પ્રેરણા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ‘મારો પરિવાર, સુખી પરિવાર’ વિષય પર પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો હતો જેમાં ૪૦૦૦ જેટલા આહીર સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પથદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્થિત સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
આ સમારોહમાં આહીર સમાજના અગ્રણી ડો. કે. આર. રામે સ્વાગત ઉદ્દબોધન કરી આજના સમારોહ માટે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમારોહમાં આહીર સમાજના અગ્રણી હોદેદારો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ સહિત કુલ ૪૦૦૦ જેટલા જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ આહીર સમાજના જ્ઞાતિજનોને સુખી પરિવાર માટે મુખ્ય ચાર વાત જણાવી હતી: (૧)શિક્ષિત પરિવાર, (૨)સંસ્કારી પરિવાર, (૩)સંપેલો પરિવાર અને (૪) સત્સંગી પરિવાર.
સમારોહના અંતે ડિસેમ્બરમાં યોજાનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો જેને જોઈ ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થયા હતા.
- કપડાંના મેચિંગ કરતા ફાવી ગયું પરંતુ સાથેના લોકો સાથે મેચિંગ નથી થતું.
- દાંડિયા રમતાં સ્ટેપ સેટ થાય છે, તેમ સંબંધમાં પણ સ્ટેપ સેટ થઇ શકે.
- આપણી ફરજ એ સંતાનને માત્ર જન્મ નહિ પરંતુ સમય અને સંસ્કાર આપવા એ છે.
- સુસંસ્કારી સંતાન માટે માતાપિતાનું જીવન સંસ્કારી હોવું જરૂરી છે.
- આપણા સંતાનોમાં રહેલી ખામી આપણું પ્રતિબિંબ છે.
- ચારિત્ર્યવાન સમાજના ઘડતર માટે પ્રથમ આપણે ચારિત્ર્યવાન બનવું પડશે.
- સત્સંગથી માનસિક રીતે મજબૂત બનીએ છીએ.