૨૧મી જૂને શહેરના પાંચ સ્થળો સહિત જિલ્લાભરમાં ૨,૩૮૩ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની કરાશે ઉજવણી
વિદ્યાર્થી સિવાયના વર્ગના લોકોને પણ યોગ દિવસની ઉજવણીમાં જોડવા જિલ્લા કલેક્ટરનું સૂચન
સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવાની છે ત્યારે રાજકોટ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે માઈક્રો પ્લાન ઘડાયો છે. શહેરના રેસકોર્સ સહિત પાંચ સ્થળોએ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લાં અધિક કલેક્ટરશ્રી પી. બી. પંડ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થી સિવાય લોકો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ સોશિયલ મીડિયા ઉપર વિશ્વ યોગ દિવસની પ્રચારની ઝૂંબેશ ચલાવવાની અને તેના થકી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો જોડાય તેવા જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા હતા.
જિલ્લા અધિક કલેકટરશ્રીએ જિલ્લાભરના અધિકારીઓ પાસેથી કાર્યક્રમના આયોજન અને સ્થળ પસંદગી અંગીની માહિતી મેળવી હતી. સ્વૈચ્છિક સંસ્થા જેવી કે, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, નહેરૂ યુવા કેન્દ્ર, બહ્માકુમારી, પંતજલિ યોગ, અકાદમીના સદસ્યો, સમિતી મહિતીની સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે યોગ દિવસના કાર્યક્રમના આયોજન અંગેની ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
જિલ્લાભરમાં યોગના 2363 સ્થળો પર કાર્યક્રમ યોજાવાના છે. તેમાં જિલ્લા કક્ષાના શહેરમાં મુખ્ય પાંચ કેન્દ્રો જેમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, રણછોડદાસજી આશ્રમ સામેનો પ્લોટ કુવાડવા રોડ, પારડી રોડ આર.એમ.સી. કોપ્લેક્સ પાસે, નાનામવા ચોકડી મલ્ટી એક્ટિવિટી સેન્ટર સામેનો પ્લોટ અને રાજ પેલેસ સામેનું ગ્રાઉન્ડ સાધુ વાસવાણી રોડ ખાતે યોજાશે. આ ઉપરાંત આવખતે પ્રથમ વાર વંચિતો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં સરસ આયોજન કરાયું છે તથા મહાનગરના પાંચેય સ્વિમિંગપુલમાં પાણીમાં એકવા યોગા યોજાશે, નગરપાલિકા કક્ષાના ૧૨, તાલુકા કક્ષાના ૨૨, શૈક્ષણિક સંસ્થા દ્વારા સૌથી વધુ કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અને અન્ય કેન્દ્રો પર વિસ્તૃત કાર્યક્રમો યોજાશે. આમ વિરાટ અને વિસ્તૃત આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને રાજ્યમાં આવેલ જેલોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લમાં આવેલ મોટા ઔદ્યોગિક ગૃહો અને જી.આઇ.ડી.સી. એસ્ટેટમાં પણ કાર્યક્રમ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા પ્રાંત અધિકારીઓ ,જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો સહિતના અધિકારીઓ અને જુદી-જુદી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.