સૃષ્ટિચક્રની સુગમ ગતિ અને દરેક જીવના કલ્યાણ હેતુ ઉર્જાના સદ્ઉપયોગ સાથે તેનું સંરક્ષણ અતિ આવશ્યક છે. જેને અનુલક્ષીને દર વર્ષે તા. 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેની શરૂઆત વર્ષ 1991થી કરવામાં આવી હતી.
ઉર્જાના સંરક્ષણ વિશે વાત કરતાં પહેલાં ઉર્જા શબ્દની ઉત્પતિ વિશે જાણીએ તો મૂળ ગ્રીક ભાષાના એનર્જિયા શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી, સૌરમંડળ અને બ્રહ્માંડના સંચાલન માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા વિવિધ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જેમાં સ્થિતિ, ગતિ, ઉષ્મીય, વિદ્યુત, રાસાયણિક, નાભિકીય સહિતની ઉર્જાના સ્વરૂપો છે. ઉર્જાની પ્રાપ્તિના મુખ્યત્વે બે સ્ત્રોતો છે. જેમાં પુન:પ્રાપ્ય અને પુન: અપ્રાપ્ય સ્ત્રોતનો સમાવેશ થાય છે. એક સમય એવો હતો કે જ્યારે મનુષ્ય સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવી કુદરતી ઉર્જાનો સંયમ પૂર્વક ઉપયોગ કરીને સાદગી પૂર્વક પોતાનું જીવન વ્યતિત કરતો. ઉદાહરણ રૂપે લઈએ તો પથ્થર ઘસવાથી અગ્નિ ઉર્જાને પ્રાપ્ત કરતો મનુષ્ય હિંસક પશુઓથી રક્ષણ મેળવીને પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવતો હતો. જ્યારે આજે ડિઝીટલ યુગમાં દરેક કુદરતી ઉર્જાઓને ટેક્નોલોજી સાથે ભેળવીને વિવિધ સંશોધનો સાથે સુખાકારીના વધારા સાથે જીવન પસાર કરી રહ્યો છે. જેનું સચોટ ઉદાહરણ છે સોલાર પેનલ ટેક્નોલોજી.
જો કે, કોઈપણ વસ્તુના સારા અને નરસા પાસાઓ રહેવાના. જે ઉર્જા આપણા મનુષ્ય જીવનને ટકાવવા માટે ખુબ જરૂરી છે તેનું જ મહત્વ ભૂલીને આપણે ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ કરીને ઉર્જાનો વ્યય પણ કરી રહ્યા છે. ત્યારે ઉર્જાએ માનવ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો હોવાથી દેશના દરેક ક્ષેત્રો ઉર્જાના મુલ્યને સમજી અને સદ્ઉપયોગ કરવા માટે જાગૃત થાય તે માટે વર્ષ 2001માં ઊર્જા સંરક્ષણ અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેના અંતર્ગત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની સ્થાપના કરી હતી, જે એક બંધારણીય સંસ્થા છે.
આમ ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા થતાં પ્રયાસોમાં સાથ પુરાવીને જાગૃત નાગરિકો બનીને ઉર્જાના સદ્ઉપોયગ થકી ઉર્જાના સંરક્ષણ સાથે સૃષ્ટિચક્ર અને રાષ્ટ્રના ભવિષ્યને પ્રકાશમય બનાવીએ.