પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૦-૨૧ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ૧૨૪૦.૬૦ લાખના ૪૯૩ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું.પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી પદાધિકારી ઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, શાળા આંગણવાડીના ઓરડાઓ અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતુ. તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેન્ટ સત્વરે રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એન. જી. પટેલે ૨૦૨૦-૨૧ના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું. જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જીલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂ, અધિક જિલ્લા કલેકટર એન. ડી. ઝાલા, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.