કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લિકાજુર્ન ખડગેએ ‘મોદી એક ઝેરી સાપ છે જેના ડંસવાથી મૃત્યુ થાય છે’ તેવું કહેતા ગુજરાત ભાજપ આગ બબુલા
વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશે કોંગ્રેસના નેતાઓ દ્વારા 91મી વખત અપશબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવતા દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના સામે આગામી દિવસોમાં ગુજરાતમાં ભાજપ દ્વારા વિરોધાત્મક કાર્યક્રમ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
હાલ કર્ણાટક વિધાનસભાની ચુંટણી માટે પુરજોશમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઇકાલે એક સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઝેરી સાપ ગણાવ્યા હતા. અને તેઓના ડંસવાથી મોત થાય છે. તેવું નિમ્નકક્ષાનું નિવેદન આપતા ભાજપના કાર્યકરોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કર્ણાટક ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદી માટે ખૂબ જ હલકા અને નિમ્ન સ્તરના શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો , કે મોદી એક ઝેરી સાપ છે અને જેના ડસવાથી મૃત્યુ થાય છે.
ભૂતકાળમાં પણ કોંગ્રેસના તત્કાલીન અઘ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા નરેન્દ્ર મોદી માટે મોતકા સોદાગર કહેવામાં આવ્યું હતું . રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર હૈ , કોંગ્રેસના અન્ય નેતાઓ ઉદીતરાજ દ્વારા મોદી તેરી કબર ખુદેગી જેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો . અલકા લાંબા દ્વારા નાલાયક શબ્દનો પ્રયોગ મોદીજી માટે કરવામાં આવ્યો હતો . બધું મળીને લગભગ 91 વાર કોંગ્રેસના નેતાઓ દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરવામાં આવ્યું છે.
વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આવી હલકી કક્ષાની રાજનીતિ કરવા સામે લોકોમાં ભારે આક્રોશ છે . અને 140 કરોડ દેશવાસીઓનો ભરોસો મોદીજી પર કાયમ છે અને મોદી હૈ તો મુનકીન હૈ તેમ તમામ દેશવાસીઓનું માનવું છે અને આગામી ચૂંટણીમાં દેશવાસીઓ કોંગ્રેસને આનો જવાબ આપશે
કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષના વડાપ્રધાન અંગે આવી હલકી ટીપ્પણીના વિરોધમાં ગુજરાતભરમાં ભાજપ દ્વારા વિરોધાત્મક કાર્યક્રમો આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.