ટૂંકાગાળામાં મોટો નફો રળવાની લાલચમાં રોકાણકાર ક્યારે સટોડિયા બની જાય તે ખબર ના પડે !!
રૂપિયો રૂપિયાને કમાવે….પણ રૂપિયો લઈ ડૂબે પણ ખરા…!!! આજના ડિજિટલ યુગમાં વિભિન્ન એપ્લિકેશન, વેબસાઈટ થકી ઓનલાઈન વેપાર અને એમાં પણ આ ઓનલાઈન માધ્યમો થકી ઈકવિટી શેર બજારમાં રોકાણનો ક્રેઝ ખૂબ વધ્યો છે. જેમાં આજના સમયે યુવાઓ સૌથી વધુ આકર્ષિત થઈ રહ્યા છે. શેર બજાર કોઈ નશાથી કમ નથી…. જેમ જેમ રૂપિયા રોકીએ તેમ તેમ તેને ડબલ કરવાનો ચસ્કો પણ વધતો જાય. પરંતુ આ માટે વર્ગીકરણ અને અર્થઘટન ખૂબ જરૂરી છે.
ઔદ્યોગિક વિકાસની સાથે સાથે મૂડી બજારની તરફથી હવે સામાન્ય જન પણ કોર્પોરેટ ક્ષેત્રને સમજી શેરબજારમાં રોકાણ કરી વળતર મેળવવાની કોઠાસૂઝ કેળવતો થઈ ગયો છે. ત્યારે શેરબજારનું રોકાણએ નિશ્ચિત આવક કે નાણાકીય રોકાણની સૂઝબૂઝનો લાભ લઈને મૂડીમાં વધારો કરવાનું માધ્યમ છે કે પૈસા લગાવી દાવ ખેલવાની જુગારી પ્રવૃત્તિ છે ?? રોકાણકારો ક્યારે “જુગારીયા” બની જાય એ નક્કી કરવું કપરું છે. શેરબજારમાં ઈન્વેસ્ટર્સ અને સ્પેકયુલેટર્સ (રોકાણકારો અને સ્ટોડિયા) વચ્ચેની ભેદરેખા ખૂબ જ પાતળી છે. મોટાભાગે રોકાણકારો કંપનીના પ્રોગ્રેસીવ ગ્રોથના આધારે પોતાની મૂડી રોકાણ કરી નફો મેળવતા હોય છે. શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવો એ વેપાર છે પરંતુ તકનો લાભ લઇ પૈસા લગાવી શોર્ટ કટ મૂડી વધારવાની પ્રવૃત્તિએ જુગાર ગણાય.
હવે રોકાણકારોની સંખ્યા અને વર્ગ વધતો જાય છે ત્યારે રોકાણકારને રોકાણકાર બનવું કે જુગારી તે બે ભેદ ઓળખવો જરૂરી છે. શેરબજારના રોકાણ અને સટ્ટામાંથી કયો રસ્તો પસંદ કરવો તે રોકાણકારની પસંદગીનો વિષય છે. શેરબજાર કોઈ નવો ઉભો થયેલો ધંધો નથી. વેપાર જગતમાં શેરબજારનો આરંભ તો સદીઓ પહેલાં થઈ ચુક્યો છે. પરંતુ તેનું પ્રમાણ અને ધંધામાં ભાગીદારી સંખ્યા ખૂબ જ સીમિત હતી. વ્યક્તિ પોતાની ગમતી કંપનીમાં પોતાની મૂડી રોકી શકે છે. જો કે શેર દલાલ હર્ષદ મહેતા વખતથી શેર બજાર એટલે પૈસા કમાવાનું માધ્યમ બની ગયું છે. ઘણા ગામડાના લોકો જમીન કે ચીજ વસ્તુ વેચીને શહેરમાં આવતા હતા અને મારે પૈસા રોકવા છે તો ત્યાં રોકું તેવા સવાલો સાથે શેર દલાલોને મળતા હતા ઘણા ને જોયા ઘણા ખોવાયા.
આજના યુગમાં જોખમી પ્રકારના વેપાર વ્યવહારને કેવી રીતે સરળ બનાવી શકાય ? કેવી ટિપ્સ અપનાવશો તો આપત્તિજનક નુકસાની ઓછી થશે ? આ માટે આજના સમયે ઘણા નવા પ્રકારનાં ટ્રેડિગ પ્લેટફોર્મ વિકસ્યા છે. એમાં પણ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો છે. રોકાણના સંબંધમાં, પહેલી વસ્તુ એ કે ઘણા યુવાનો સાંભળતા જ હશે કે ધ્યાન આવી એવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી અને વેપાર શરૂ કરતી દેવો. આ જોઈ પ્રાથમિક તબક્કે કેટલાકને લાગે કે પૈસા કમાવવાનું કેટલું સરળ છે. અને એમાં પણ મહત્ત્વની વાત એ છે કે ઇક્વિટી શેર બજારમાં અમુક સંજોગોમાં તે સાચું છે. પણ આ માટે નસીબ નહીં વર્ગીકરણ અને અર્થઘટન જ કામ કરે છે. આ બાબતને જ સ્વીકારવા અને સમજવું એ સફળ રોકાણકાર બનવાની ચાવી છે.