- પોરબંદરના રાજ કુબાવતે વચ્છરાજ ક્લિનિક ખોલી સારવારની સાથે દર્દીઓને દાખલ કરવા બેડ પણ રાખ્યા’તા : એસઓજી પીએસઆઈ ઘાસુરાની ટીમે પર્દાફાશ કર્યો
- શહેરની ભાગોળે આવેલ કુવાડવામાં છ મહિનાથી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. મૂળ પોરબંદરનો રાજ કુબાવતે વચ્છરાજ ક્લિનિક શરૂ કરી દર્દીઓને દાખલ કરવા બેડ પણ રાખ્યાં હતાં.
- દરોડાની વિગત મુજબ, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. ત્યારે સાથેના
એએસઆઈ ફીરોઝભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કીશોર ઘુઘલને કુવાડવા ગામમાં રાજ વિનોદભાઈ કુબાવત નામનો શખ્સ કોઇપણ જાતની ડીગ્રી વગર કુવાડવા ગામમા વચ્છરાજ કલીનિક ધરાવી લોકોને જોઇ તપાસી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં તાલુકા હેલ્થ ઓફીસર સાથે એસઓજીની ટીમે કુવાડવા ગામમાં વચ્છરાજ ક્લીનિક દવાખાનાનુ બોર્ડ લાગેલ હતું ત્યાં દરોડો પાડી દવાખાનામા પ્રવેશતા અંદર એક ખુરશી ટેબલ તથા બે સારવાર માટેના બેડ પડેલ હતાં.
તેમજ એક ખુરશી ઉપર બેઠેલ શખ્સનું નામ પુછતા પોતે રાજ વિનોદ કુબાવત (ઉ.વ.31), (રહે.ગામ કુવાડવા પટેલ ફળીયા, મૂળ વતન બ્લોક નં. 4 દેવ દર્શન પાર્ક રોકડીયા હનુમાન મંદિર પાસે , પોરબંદર) જણાવ્યું હતું. તેમની પાસેના ટેબલ ઉપર મેડીકલ સારવારના સાધનો પડેલ હતાં તેમજ બે બેડ સારવાર માટે રાખેલ હતાં અને આજુ બાજુમાં મેડીકલ સારવારના સાધનો પડેલ હતા. આરોપી સામે મેડીકલ પ્રેકટીશ કરવા અંગે સર્ટીફીકેટ માંગતા તેની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું જણાવતાં અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓ અને સાધનો મળી કુલ રૂ.26 હજારનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, બોગસ તબીબ છેલ્લા છ માસથી ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો અને પોતાએ હોમિયોપેથીકનો કોર્ષ કર્યો હોવાનું રટણ કરતો હતો. વધું તપાસ કુવાડવા રોડ પોલીસે આદરી હતી.
હોમિયોપેથીની ડિગ્રી મેળવી એલોપેથીની પ્રેક્ટિસ કરતો’તો
શહેરમાં અનેક ઘોડા ડોક્ટરો મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે અને પોલીસ પણ તેવા ઘોડા ડોકટરોને પકડી રહી છે, ત્યારે કુવાડવામાંથી પકડાયેલ શખ્સ પાસે હોમિયોપેથીકની ડિગ્રી હતી અને પ્રેક્ટિસ એલોપેથીકની કરતો હતો. તે એલોપેથીક દવાની સાથે દર્દીઓને બાટલા ચડાવી જીવલેણ સારવાર કરતો હતો. ઉલ્લેખનીય છે કે, હોમિયોપેથીકની ડિગ્રી ધારક ફક્ત દવા જ આપી શકે છે, તે ઇન્જેક્શન, બાટલા ચડાવવા સહિતની સારવાર કરી શકતો નથી.