બેચરલ ઓફ મીલીટરી સાયન્સનો નવો અભ્યાસક્રમ શરૂ કરાશે: સિન્ડીકેટમાં લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક શુક્રવારે કાર્યકારી કુલપતિ નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જૂના પી.એચડી. છાત્રોને ૬ માસની મુદતમાં વધારો કર્યો છે. તેમજ બેચરલ ઓફ મીલીટરી સાયન્સનો નવો અભ્યાસક્રમ શરૂ કરવા સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારીત કામ કરતા ૩૦૦ કર્મચારીઓને ૨૦ ટકાનો વેતન વધારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈ કર્મચારીઓને ૨ થી ૩ હજાર સુધીનો લાભ મળે તેવી શકયતા છે અને આ વધારો તા.૧-૮થી આપનાર છે.
જો કે પ્લેસમેન્ટ કર્મચારીઓને ખાનગી એજન્સી હેઠળ સોંપવા યુનિવર્સિટીની પેટા એજન્સી હેઠળ તે અંગે નિર્ણય આગામી સિન્ડીકેટમાં લેવામાં આવશે. આ બેઠકમાં ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ભાવીન કોઠારી, ડો.નેહલ શુકલ, ડો.મેહુલ રૂપાણી, ધરમ કામલીયા, પ્રફુલાબેન રાવલ, ડો.ગીરીશ ભીમાણી સહિતનાઓ હાજર રહ્યાં હતા.