ભારતીય શેરબજારની તવારીખમાં આરંભથી અત્યાર સુધીમાં ક્યારેય કોઈ ટિપ્સ નુકશાનના સોદા બની જ નથી, રોકાણકારો શાંતચિત્તે બુદ્ધિપૂર્વક રીતે રોકાણ કરે તો અહીં બે-પાંચ ટકાથી હજ્જારો ગણું વળતર આપે તેવા અનેક શેરનો અદ્ભૂત ખજાનો ઉપલબ્ધ છે, વિશ્વના શાણા રોકાણકારો માટે ભારતના શેરબજારનું રોકાણ માટે હંમેશા તકના તેડા જેવી તત્પરતાનો વિષય રહ્યો છે
ભારતીય મુડી બજારમાં તેજી-મંદીની લાંબી ત્વારીખ અને રોકાણકારો માટે ચઢાવ-ઉતારના દિવસો કાયમી ધોરણે આવતા રહે છે પરંતુ વિશ્ર્વમાં કદાચ ભારતનું શેરબજાર એક એવું ક્ષેત્ર બની રહ્યું છે કે, જે લાંબાગાળાના રોકાણકારો માટે ક્યારેય ખોટનો અવસર આપનારૂ બન્યું નથી. અત્યારે સમગ્ર વિશ્ર્વમાં આર્થિક મંદી અને કોરોનાની મહામારીને લઈને ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં રોકાણકારો સતતપણે વિશ્ર્વાસ અકબંધ રહેવા પામ્યો છે. ભારતીય મુડી બજારના બોમ્બે સ્ટોક એક્ષચેન્જ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જની દરેક સ્ક્રીપ્ટ લાંબાગાળા વિશ્ર્વાસપાત્ર વળતર આપનારી સાબીત થઈ છે. એ વાત અલગ છે કે, કેટલાક નબળા પરિબળોના કારણે લોટમાં નમક હોય તેવી ઓછી માત્રામાં રોકાણકારોને લાંબાગાળે પોતાના રોકાણમાં પૈસા ગુમાવવાનો વારો આવ્યો હોય બાકી ૧૦૦માંથી ૮૦થી ઉપર કંપનીઓએ રોકાણકારોને ૫-૧૦-૧૫-૨૦-૩૫ અને ૪૦ વર્ષના લાંબા રોકાણ બાદ ૨, ૫, ૧૦, ૧૫, ૫૦ કે બેવડા વળતરના બદલે હજારો ગણુ વળતર આપ્યું છે. ઘણા એવા શેર છે કે જે રોકાણકારોને સતત નિરંતર રીતે ડિવિડન્ડ ઉપર ડિવિડન્ડ અને શેરના શેર આપીને મુળ ૧૦૦ શેર ધરાવતા રોકાણકારોના પોર્ટફોલીયોમાં લાખોની સંખ્યામાં શેર આપીને તેમને હજારોના રોકાણનું વળતર કરોડોમાં આપી ચૂકયા છે. વિપ્રો, સત્યમ, રિલાયન્સ જેવી અનેક કંપનીઓ છે કે, જેમાં બાપના રોકાણના સારા ફળ દિકરાઓ લણી રહ્યાં છે.
વર્તમાન સરકાર દ્વારા તાજેતરમાં જ અર્થતંત્રને વધુ તરલ બનાવવા અને બજારની આર્થિક મંદીના નિવારણ માટે ૫ હજાર કરોડ રૂપિયા વાપરી નાખવાની શરતે બજારમાં ઠાલવી રહી છે ત્યારે નિશ્ર્ચિતપણે ભારતીય શેરબજારમાં આગામી દિવસો હરિયાળી-હરિયાળી સર્જનારા બની રહેશે. ભારતીય શેરબજારનું સેન્સેકસ ટૂંક સમયમાં જ નવા વિક્રમ સર્જે તેવું દેખાઈ રહ્યું છે. શેરબજાર એ નિશ્ચિતપણે લાભ અને આવક મેળવવાનું ક્ષેત્ર છે તેમાં બે મત નથી પરંતુ તેમાં રોકાણકારની સુઝબુઝ અને કોઈ કે કરેલી ભુલનો લાભ લેવાની તક ઝડપવાનું કૌશલ્ય અનિવાર્ય બને છે. શેરબજારના આગામી દિવસો ભારતના રોકાણકારો માટે અવશ્યપણે લાભ આપનારા બની રહેશે તેવું કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. ભારતનું શેરબજાર એવું છે કે જેમાં વિશ્વના તમામ દેશો રોકાણકારો સમય મુજબ રોકાણ કરવાની તક માટે તત્પર રહે છે. ભારતનું શેરબજાર અત્યારે ખુબજ આશાવાદી રસ્તે આગળ વધી રહ્યું છે. બજારમાં તેજી-મંદી સ્વાભાવીક છે પરંતુ સરકારની નીતિ બજારની વિશ્વસનીયતા અને ભારતની આર્થિક ક્ષમતા જોતા ભારતના શેરબજાર માટે આગામી દિવસો અવશ્યપણે લાભના લાડવા ખાવાના બની રહેશે તેમાં જરા પણ અતિશ્યોક્તિ નથી.