મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રોલ ખાતેથી રાજ્યમાં 3 સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા 4 પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા

અબતક,સંજય ડાંગર ધ્રોલ

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે  રાજ્યમાં 3 સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા 4 પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ- ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા છે. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રી એ નિર્ણય કર્યો છે.

આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનશે.

મુખ્યમંત્રી એ કમલમ ફળનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અને મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 નવી યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો છે. કમલમ ફ્રુટનું વાવેતર કરતા સામાન્ય ખેડૂતોને સહાય કાર્યક્રમ અંતર્ગત મહત્તમ રૂ. 3 લાખ પ્રતિ હેક્ટર તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને મહત્તમ રૂ. 4.50 લાખ પ્રતિ હેકટરની સહાય મળશે.

ગુજરાતના ખેડૂત સામૂહિક બહુવર્ષાયુ ફળપાકોના વ્યાપારિક ધોરણે વાવેતર કરે તેમજ આવા ખેડૂતોને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી સહાય પુરી પાડવા કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ અમલમાં મુકવામાં અવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજયના તમામ ખેડૂત, ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીના સભાસદોને લાભ મળશે.

મધમાખીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મધમાખી ઉછેર, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ, બી ક્લિનિક  જેવા ઘટકોમાં સહાય આપવા માટે મિશન મધમાખી કાર્યક્રમ શરૂ કરવામાં અવ્યો છે.  આ કાર્યક્રમ હેઠળ FPO, FPC તથા અ ગ્રેડ સહકારી સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ હેઠળ ખેડૂત/સભાસદોને 75% સુધી સહાય મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી   ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 20 વર્ષમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર 6.92 લાખ હેક્ટરથી વધીને 19.77 લાખ હેક્ટર અને ઉત્પાદન 62.01 લાખ મે.ટન થી વધીને 250.52 લાખ મેટ્રિક ટન થયું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં 35 લાખથી વધુ બાગાયતકારોને વિવિધ બાગાયતી યોજનાઓથી લાભન્વિત કરાયા છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી  અરવિંદભાઈ રૈયાણી તથા પ્રભારી મંત્રી   બ્રિજેશભાઈ મેરજા સાંસદ  પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય   ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર  બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ભરતભાઈ બોરસદિયા, કૃષિ વિભાગ અધિક મુખ્ય સચિવ  મુકેશ પૂરી, જિલ્લા કલેકટર   ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી   મિહીર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક   પ્રેમસુખ ડેલુ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ  જયંતિભાઈ કવાડિયા, જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા,   જયરામભાઈ વાંસજાળીયા,  બાબુભાઇ ઘોડાસરા તેમજ સમગ્ર જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અન્વયે રાજ્યના અન્ય સંબંધિત જિલ્લાઓમાં આયોજિત સમારોહમાં મંત્રી ઓ, પદાધિકારીઓ, સાંસદ ઓ, ધારાસભ્ય ઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રીએ કૃષિ ઉત્પાદન સ્ટોલની લીધી મુલાકાત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે જી. એમ. પટેલ હાઇસ્કુલ પરિસરમાં રાખવામાં આવેલા કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સના મુલાકાત લીધી હતી અને બાગાયત કૃષિ કરોને પ્રોત્સાહિત કર્યા હતા. તથા જામનગર જિલ્લાના બાગાયતી વિભાગના લાભાર્થીઓ તથા અન્ય લાભાર્થીઓને રાજ્ય સરકારની યોજનાકીય સહાયનું તથા પ્રમાણપત્રનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ધ્રોલની જી. એમ. પટેલ હાઇસ્કુલના પરિસરમાં બાગાયત પાક પરિસંવાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ તથા પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું અમદાવાદ જિલ્લાના મીરોલી, ખેડા જિલ્લાના મહેમદપુરા, ભુજ શહેરના ટાઉનહોલ, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારો પ્રગતિશીલ નાગરિકો સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.