ધ્રાંગધ્રાના માનસર તળાવના બ્યુટીફીકેશન માટે રૂ.4.25 કરોડ મંજૂર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વિવિધ જનસુખારીના આયોજનબદ્ધ કામો હાથ ધરી ઈઝ ઓફ લીવીંગ વધારવાની નેમ સાથે પાંચ નગરપાલિકાઓને રૂ. 85 કરોડના વિકાસ કામો હાથ ધરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી એ ધ્રાંગધ્રા, માણસા, કડી, વડનગર અને બાવળા નગરપાલિકામાં આ કામો હાથ ધરવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવપલપમેન્ટ મિશન દ્વારા રજૂ થયેલી દરખાસ્તોને અનૂમતિ આપી છે.
મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં ધ્રાંગધ્રા નગરપાલિકા વિસ્તારના માનસર તળાવના બ્યુટિફીકેશન માટે રૂ. 4.25 કરોડ આગવી ઓળખ ઘટકના કામો માટે મંજૂર કર્યા છે. માણસા નગરપાલિકા વિસ્તારના ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશન માટે તેમણે રૂ. 4.87 કરોડના કામો મંજૂર કર્યા છે. 248 એકરમાં ફેલાયેલા ચન્દ્રાસર તળાવના બ્યુટિફીકેશન અન્વયે પ્લાન્ટેશન, વોક વે, વરસાદી પાણી માટે ઈન્લેટ પાઈપ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ અને તળાવ નવીનીકરણ માટે આ રકમ ઉપયોગમાં લેવાશે.
ભુપેન્દ્ર પટેલે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં રૂ. 44.83 લાખના ખર્ચે 9 કામો હાથ ધરવાની કડી નગરપાલિકાને મંજૂરી આપી છે. તદઅનુસાર આર.સી.સી. રોડ, પાણીની લાઈન, તથા પેવર બ્લોકના કામો દ્વારા 458 કુટુંબોને લાભ અપાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત મહેસાણા જિલ્લાની વડનગર નગરપાલિકા વિસ્તારના 5051 ઘરોની ગટર લાઈનોને મુખ્ય ગટર સાથે જોડવા રૂ. 3 કરોડ 53 લાખ 57 હજાર રૂપિયા મંજૂર કર્યા છે.
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારી ઘટક તહેત ખાનગી સોસાયટીના ઘરોની ગટર લાઈન સાથે જોડાયેલી ન હોય તેવી સોસાયટીના ઘરને પરિવાર દીઠ રૂ. 7 હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ સહાય રૂપે વડનગર નગરપાલિકાને 5051 ઘરોના ગટર જોડાણ પેટે રૂ. 3.53 કરોડની રકમ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નર, ગાંધીનગર દ્વારા અપાશે.
મુખ્યમંત્રીએ આ કામો ઉપરાંત બાવળા નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના માટે 71.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બાવળા નગરપાલિકાના ગામતળ વિસ્તારમાં હયાત ભુગર્ભ લાઈન અંદાજે 25 વર્ષ જૂની છે.
એટલુંજ નહી બાવળા નગરપાલિકાને 10 ઝોનમાં વહેંચવામાં આવેલી છે. અગાઉ નગરપાલિકામાં 2015ના વર્ષમાં પુર્ણ થયેલ ભુગર્ભ ગટર યોજનામાં ગામતળની જૂની ગટર વ્યવસ્થા હોવાથી ઝોન 1 થી 5 નો સમાવેશ થયેલો નહતો. બાવળા નગરપાલિકામાં 26 કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે. તેમજ હાલની 90,140ની વસ્તિમાંથી 4,375 ઘરોને આ સૂચિત યોજનામાંથી ગટર જોડાણનો લાભ મળશે મુખ્યમંત્રીએ આપેલી આ ગટર યોજનાના કામોની સૈધ્ધાંતિક મંજૂરીના પરિણામે પ્રવર્તમાન અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા સાથે નવીન વિકસીત વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવશે.