યોજના પાછળ રૂ. 13 હજાર કરોડ ખર્ચાશે : 18 સમુદાયના કારીગરોને રૂ. 15 હજારની ટૂલ કીટ અને તાલીમ સાથે રૂ. 500નું સ્ટાઈપેન્ડ અપાશે : રાજકોટમાં મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજનાનો પ્રારંભ
વિશ્વકર્માના સંતાનોની ’વ્હારે’ મોદી ’સરકાર’ આવી છે. મોદી કારીગરો માટે રૂ. 3 લાખ સુધીની લોનની જામીનગીરી આપશે. જે માટે વડાપ્રધાન મોદીએ પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી છે. જેમાં કારીગરોને લોન સહિતના અનેક લાભો મળશે. વિશ્વકર્મા જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે. 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળશે.
આ માટે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ ફાળવવામાં આવશે. વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરના 70 સ્થળો સહિત રાજયના અમદાવાદ અને વડોદરા ઉપરાંત રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ હાજરી આપી હતી. મોદીએ કહ્યું હતું કે કારીગરો હવે ઓછા વ્યાજ સાથે કોઈ પણ જામીન વગર રૂ. 3 લાખ સુધીની લોન મેળવશે. આ ઉપરાંત તેઓને તાલીમ અપાશે અને તે દરમિયાન રૂ. 500નું સ્ટાઇપેન્ડ પણ અપાશે. તેમણે કહ્યું કે બેંકો કોઈ ગેરંટી માંગશે નહીં કારણ કે તેમની પાસે મોદીની ગેરંટી છે. અમારા વિશ્વકર્મા સાથીદારો ‘મેક ઇન ઇન્ડિયા’નું ગૌરવ છે અને આ આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર વિશ્વ સમક્ષ આ ગૌરવ દર્શાવવાનું માધ્યમ બનશે, મોદીએ કહ્યું.વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય સામાજિક રીતે પછાત સમુદાયોમાંથી આવતા કારીગરોને લાભ આપવાનો છે.
રાજકીય વર્તુળોએ આને 18 વિવિધ પરંપરાગત વ્યવસાયો – સુથારીકામ, માટીકામ અને તેના જેવા – સાથે સંકળાયેલી અસંખ્ય કારીગર જાતિઓને એક મહત્વપૂર્ણ રાજકીય મતવિસ્તારમાં બનાવવાના પ્રયાસ તરીકે જોયા છે. યોજના હેઠળ, બાયોમેટ્રિક-આધારિત પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા કારીગરોની નિ:શુલ્ક નોંધણી કરવામાં આવશે. તેઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં તેઓને રૂ. 15,000નું ટૂલકીટ પ્રોત્સાહન, રૂ. 3 લાખની લોન અપાશે. જેમાં રૂ. 1 લાખ (પ્રથમ હપ્તો) અને રૂ. 2 લાખ (બીજો તબક્કો) 5% ના રાહત દરે આપવામાં આવશે.વડાપ્રધાને આ યોજનાનો લોગો, ટેગલાઈન અને પોર્ટલ પણ લોન્ચ કર્યો અને કસ્ટમાઈઝ્ડ સ્ટેમ્પ શીટ, ટૂલકીટ ઈ-બુકલેટ અને વિડિયો પણ બહાર પાડ્યા. આ ઉપરાંત, તેમણે 18 લાભાર્થીઓને વિશ્વકર્મા પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું.
યોજનાનો લાભ લઇ વિકાસમાં સહભાગી બનવા કારીગરોને મંત્રી મનસુખ માંડવિયાની હાંકલ
મનસુખભાઈ માંડવીયાએ 18 સમુદાયોના કારીગરોને આ યોજનાનો લાભ લઇ અર્થોપાર્જન કરી દેશના વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. મંત્રી માંડવીયાએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયો પોતાની પેઢી દર પેઢીથી સચવાયેલી કારીગરી થકી અર્થોપાર્જન કરી શકે તે માટે વડાપ્રધાને આ યોજના માટે રૂ. 15 હજાર કરોડની ફાળવણી કરી છે, ત્યારે આ યોજના હેઠળ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આઈ કાર્ડ મેળવી કોઈપણ પ્રકારની બેંક ગેરેન્ટી વિના રૂ. 3 લાખ સુધીની મળવાપત્ર લોનનો લાભ લઈ બદલાતા સમયે સાથે નવા ભારતના નિર્માણમાં સહયોગી થવું જોઈએ.
વધુમાં વધુ કારીગરોને યોજનાનો લાભ લેવો જોઇએ : મંત્રી રાઘવજીભાઈ પટેલ
રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે 140 પેટા જ્ઞાતિ ધરાવતો કારીગર સમાજ કેન્દ્ર સરકારની વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જ આ યોજનાનો આશય છે. સરકાર દ્વારા નાના રોજગારધારકો માટે ટ્રેનિંગ, સ્ટાઈપેન્ડ, લોન, ટૂલ કિટ, માર્કેટિંગ માટેની સહાય વગેરેનો યોગ્ય લાભ લઈ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થવા જણાવ્યું હતું.
ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે જન ઔષધી કેન્દ્ર એ સારવારની સાથે બચતનું કેન્દ્ર: મનસુખ માંડવીયા
રાજકોટથી 73 જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા
ભારતમાં આરોગ્ય ક્ષેત્ર વેપાર નહીં, પરંતુ સેવાનું માધ્યમ: પ્રધાનમંત્રી મોદીએ માનવતાની સેવા સાથે જીવનને જોડ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજરોજ 73 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ કેમ્પસ ખાતેથી 73 જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુક્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓનું જીવન માનવતા અને સેવા કાર્ય સાથે વણાયેલું હોઈ આપણે પણ તેમાં સહભાગી બની ગરીબ, સામાન્ય પરિવારના લોકોને મદદરૂપ બનીએ. જેના ભાગ રૂપે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી આજે 73 જેટલા જન ઔષધિ કેન્દ્રો દેશને સમર્પિત કરાયા છે.
પ્રધાનમંત્રીની પ્રેરણાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અર્થે જરૂરી દવાઓ કિફાયતી દામે મળી રહે તે હેતુથી વર્ષ 2016થી પ્રારંભ કરાયેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોના વિસ્તરણ સાથે દેશમાં 9 હજારથી વધુ કેન્દ્રો પર રોજના 20 લાખ લોકો આ દવાનો લાભ લઈ આર્થિક બચત કરી રહ્યા હોવાનું જણાવી મંત્રી માંડવીયાએ કહ્યું હતું કે, જન ઔષધી કેન્દ્ર એ સારવારની બચતના કેન્દ્રો છે.ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્ર એ કોમર્સ નહીં પરંતુ સેવાનું માધ્યમ છે. કોરોના સમયે તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકોએ કોરોના સમયે ઘર, પરિવારની ચિંતા કર્યા વગર નિ:સ્વાર્થ ભાવે જે સેવા કરી છે તેને વિશ્વએ પણ બિરદાવી છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંચાલનમાં રાજકોટ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીના દ્વારા રાજ્યમાં 73 જન ઔષધી કેન્દ્ર ખુલ્લા મુકવામાં આવ્યા, જેમાં રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલ તેમજ ગોંડલ હોસ્પિટલ ખાતે મળીને ત્રણ ઔષધી કેન્દ્રનો શુભારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પર દેશભરના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ અને સારવાર સસ્તી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્ન કરી રહ્યા છે. ગઇ કાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ સિવિલ હોસ્પિટલ ખાતેથી 73 જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મૂક્યા છે.