લોકસભામાં ભવ્ય જીત માટે ભાજપે ત્રણ રાજ્યોમાં હુકમના પાના ઉતાર્યા છે. ત્રણેય રાજ્યોમાં ભાજપે સમુદાય પ્રમાણે મુખ્યમંત્રી પસંદ કરી લોકસભામાં વિધાનસભા કરતા પણ વધુ મત મેળવવાનો વ્યૂહ ઘડ્યો છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી ભાજપે સૌને ચોંકાવ્યા છે. મોહન યાદવને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે છત્તીસગઢના સીએમ વિષ્ણુ દેવ સાય છે. જ્યારે, ભજનલાલ શર્મા રાજસ્થાનના સીએમ હશે. આ સાથે જ ભાજપે લોકસભા ચૂંટણીને લઈને પોતાનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે. ભાજપે ત્રણેય રાજ્યોના સીએમ પદના જે નામ ફાઈનલ કર્યા છે, તેમાં 2024ની લોકસભા ચૂંટણીની છાપ સ્પષ્ટ જોઈ શકાય છે. પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાની સાથે-સાથે 2024 માટે રાજકીય જમીન તૈયાર કરવાનો પ્રયાસ પણ કર્યો છે. સાથે જ ભાજપની નજર આ રાજ્યોમાં જાતિગત સમીકરણ બેસાડવાની પણ છે.

સમુદાય પ્રમાણે મુખ્યમંત્રી પસંદ કરી લોકસભામાં વિધાનસભા કરતા પણ વધુ મત મેળવવાનો વ્યૂહ

કોંગ્રેસ સતત ઓબીસીનો મુદ્દો ઉઠાવી રહી હતી. એવામાં ભાજપે મધ્ય પ્રદેશમાં મોહન યાદવને રાજ્યના મુખ્યમંત્રી બનાવીને એક તરફ કોંગ્રેસને જવાબ આપ્યો છે. જ્યારે, બીજી તરફ ઓબીસી વોટ પણ સાધવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓબીસી વોટ ઘણા મહત્ત્વના માનવામા આવે છે. એવામાં મોહન યાદવને આગળ કરીને ભાજપે હિન્દી ભાષી રાજ્યોમાં લોકસભા ચૂંટણી પહેલા શાનદાર રાજકીય પિચ તૈયાર કરી છે.

જ્યારે, રાજસ્થાનમાં ભાજપે ભજનલાલ શર્માને ને મુખ્યમંત્રી બનાવવાનું એલાન કર્યું છે. આ સાથે જ પાર્ટીએ રાજ્યમાં બ્રાહ્મણ વોટર્સને સાધવાનો પ્રયાસ કર્યો છે. આંકડા પ્રમાણે રાજસ્થાનમાં 89 ટકા હિન્દુ આબાદી છે. તેમાં અનુસૂચિત જાતીની જનસંખ્યા 18 ટકા જ્યારે અનુસૂચિત જનજાતિની જનસંખ્યા 13 ટકાની આસપાસ છે. બ્રાહ્મણોની જનસંખ્યા સાત ટકાની નજીક છે. એવામાં ભાજપ દ્વારા ભજનલાલ શર્માને આગળ કરીને બ્રાહ્મણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપે પોતાના આ ઠોસ વોટર્સ પર પોતાની પકડ બનાવી રાખવા માટે બ્રાહ્મણ ચહેરાને સામે કર્યો છે.

છત્તીસગઢમાં ભાજપે આદિવાસી વોટર્સ પર પોતાની પકડ મજબૂત કરવા માટે વિષ્ણુ દેવ સાયને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. છત્તીસગઢમાં આદિવાસી વોટર્સને નિર્ણાયક માનવામા આવે છે. અહીંની લગભગ એક તૃતિયાંશ આબાદી આદિવાસી છે. 90 વિધાનસભા સીટોવાળા પ્રદેશમાં 29 સીટો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. તદ્દપરાંત રાજ્યમાં 11 લોકસભાની સીટો છે. તેમાંથી 4 સીટો આદિવાસી સમાજ માટે આરક્ષિત છે. તદ્દપરાંત છત્તીસગઢમાં આદિવાસી સમાજમાંથી સીએમ બનાવવાનો જે દાવ ભાજપે ચાલ્યો છે તેની અસર ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યો પર પણ પડશે, જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.