ધ્રોલ, બોટાદ અને પાટડીના લોકોની પ્યાસ બુઝાવવા મુખ્યમંત્રીએ 27 કરોડ ફાળવ્યા
અબતક, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસતા નાગરિકો, પ્રજાજનોને પીવાના પાણીની સરળતાએ ઉપલબ્ધિ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 40.44 કરોડ રૂપિયા 5 નગરપાલિકાઓને પાણી પૂરવઠાની વિવિધ યોજનાઓના કામો માટે મંજૂર કર્યા છે. ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકાને 7.58 કરોડ રૂપિયા, જામનગરની ધ્રોલ નગરપાલિકાને 8.37 કરોડ રૂપિયા, બોટાદને 11.58 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સાથે આદિજાતિ વિસ્તારની છોટાઉદેપૂર નગરપાલિકાને રૂ.2.18 કરોડ તથા સંતરામપૂર નગરપાલિકાને રૂ.10.56 કરોડની રકમ ફાળવવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ નગરપાલિકાઓમાં આગામી 2051/52ની વસ્તીની પાણીની જરૂરિયાતોના અંદાજો ધ્યાનમાં લઇને આ દરખાસ્તો કરી હતી જેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.
મુખ્યમંત્રીએ જે નગરપાલિકાઓમાં આ કામોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં પાટડી નગરપાલિકામાં ગુજરાત પાણી પૂરવઠા ગટર વ્યવસ્થા બોર્ડની યોજના મારફતે બજાણા હેડવર્કસથી પાણી પમ્પ કરીને મેઇન હેડવર્કસની 7 લાખ લીટરની વર્તમાન ટાંકીમાં પાણી ચડાવી શહેરને અપાશે. પાટડીમાં હાલ જે પાતાળકુવા અને સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી પાણી પુરૂં પાડવામાં આવે છે તેમાં આ યોજના પૂરક બનશે.
ધ્રોલ નગરપાલિકામાં હયાત 250 મી.મી. ડાયાની પાઇપલાઇન 30 વર્ષથી વધારે સમયથી છે તેને બદલવા અને નવિન યોજના તૈયાર કરવા માટે રૂ. 8.37 કરોડ ફાળવવામાં આવ્યા છે. બોટાદ નગરપાલિકામાં નવા 3 ઝોનમાં વિકસીત વિસ્તારોમાં પીવાના પાણીના નેટવર્ક માટે 11.58 કરોડ રૂપિયાની રકમ મુખ્યમંત્રીએ મંજૂર કરી છે. આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂરમાં દૈનિક ધોરણે તમામ વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે તેમજ સંતરામપૂરમાં તમામ પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરીના આયોજન માટે અનુક્રમે રૂ.2.18 કરોડ તથા રૂ. 10.56 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.