બંને પક્ષે ચાર લોથ ઢળી હતી: ગરાસીયા અને કાઠી સમાજના આગેવાનોની સમજાવટી વેરને આપી તિલાંજલી: ગોંડલના પૂર્વ ધારાસભ્યના ફાર્મ હાઉસે ભોજન સમારંભ અને લોકડાયરો માણ્યો
ઝાલાવડ પંથકના થાનમાં કાઠી અને ક્ષત્રિય પરિવારો વચ્ચે છેલ્લા ૪૦ વર્ષથી ચાલતા વૈમનશ્યમાં ચાર વ્યક્તિઓનો ભોગ લેવાયા હતા. વેરના વળામણા કરવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય અને કાઠી અગ્રણીઓની ઉપસ્થિતિમાં થાન ખાતે બન્ને પક્ષે મોં મીઠા કરી વેરના વળામણા કર્યા બાદ ગોંડલ જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે સ્વરૂચી ભોજન સાથે લોકડાયરો માણ્યો હતો.
વધુ વિગત થાનગઢ તાલુકાના લાખામાચી, તરણેતર, રામપરડા અને રાવરાણી ગામે ગરાસીયા દરબારો અને કાઠી સમાજ વચ્ચે છેલ્લા ૪ દાયકાથી ચાલતા વૈમનશ્યમાં બન્ને પક્ષના ચાર મોભીની હત્યા થઈ હતી.
ભુતકાળમાં ઝઘડાઓને ભુલીને નવી પેઢીને લઈ બન્ને સમાજે વેરના વળામણા કરવા થાનગઢ ક્ષત્રિય સમાજની વાડી ખાતે એક હજારી વધુ બન્ને સમાજના આગેવાનો એકઠા થયા હતા. વેરઝેરને ભૂલી અને એક સંપ સાથે સમાજને પ્રગતિના પંથે લઈ જવાની ભાવના સાથે સંતો-મહંતોના આશિર્વાદ સાથે માં શક્તિ, વાસુકી ભગવાન, કાઠી કુળના ઈષ્ટદેવતા સૂર્ય નારાયણની સાક્ષીએ દીપ પ્રાગટય કરી બન્ને પક્ષે ઝેરના ઘુંટડાઓ ગળી જઈ પરસ્પર મોં મીઠા કરી વેરના વળામણા કર્યા હતા.
વેરના વળામણા કરવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ જાડેજા (રીબડા), વિરમેદસિંહ ચુડાસમા (બરોડા), રાજ્યના મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રામકુભાઈ ખાચર (થાન), ભરતભાઈ વાળા (ગોંડલ), કિશોર બાપુ ભગત (મહંત સોનગઢ આશ્રમ), પ્રતાપભાઈ વરૂ, જોરૂભાઈ ગુજારીયા અને રાજભા ઝાલા (કણકોટ) સહિતના બન્ને સમાજના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતા. સમાધાન બાદ ગોંડલ જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે એકઠા થઈ અને સ્વચી ભોજન સાથે લોકડાયરો માણ્યો હતો.