ફિલિપાઇન્સના એક માછીમારનું નસીબ રાતોરાત બદલાઇ જતા તે એક જ ઝટકામાં અરબપતિ બની ગયાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે, આવું તેના પલંગ નીચે 10 વર્ષથી પડેલા પથ્થરના કારણે બન્યું હતું. કારણ કે આ માછીમાર તો આ પથ્થરને સાધારણ પથ્થર સમજી રહ્યો હતો પરંતુ, જ્યારે તે મોતીનો નીકળ્યો ત્યારે તેની કિંમત અરબોમાં આંકવામાં આવી હતી.
ફિલિપાઇન્સના પલાન આઇલેન્ડના એક માછીમાર 2006 માં એક સમુદ્ર કિનારે માછલીઓ પકડી રહ્યો હતો. આ દરમિયાન તે એક સમુદ્રી તોફાનમાં ફસાઇ ગયો હતો. જો કે, તે મહામહેનતે એક પથ્થરના સહારે ટકીને તોફાન શાંત પડે તેની રાહ જોવા લાગ્યો હતો. જ્યારે તોફાન થંભી ગયું ત્યારે તે બે ફૂટના સફેદ રંગના સુંદર પથ્થરને નસીબદાર આભૂષણ માનીને પોતાના ઘરે લઇ આવ્યો હતો. તેણે 10 વર્ષ સુધી આ રીતે આ પથ્થરને પોતાના પલંગની નીચે રાખ્યો હતો.
ત્યાર બાદ એક દિવસ જ્યારે માછીમારાના ઘરે આગ લાગી હતી, ત્યારે એક ટૂરિસ્ટ ઓફિસર એલિન સિંથિયા મગૈયની નજર આ પથ્થર પર પડી હતી. તેમણે માછીમારને કહ્યું કે, આ કોઇ સાધારણ પથ્થર નથી. વાસ્તવમાં તો આ એક વિશાળકાય મોતી હતો. જેની કિંમત લગભગ 6 અરબ 53 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો કે, હવે આ માછીમાર અરબપતિ છે.