રાજકોટમાં ફૂટપાથ રાહદારીઓનાં ચાલવા માટે નહી રેકડી-કેબિનવાળા માટે બનાવવામાં આવતી હોય તેવો ઘાટ

અબતક, રાજકોટ

રાહદારીઓ અકસ્માત થવાના ભય વિના મૂકતમને રોડ રસ્તા પર ચાલી શકે તેવા આશ્રય સાથે ફૂટપાથનું નિર્માણ કરવામાં આવતું હોય છે.પરંતુ રાજકોટમાં જાણે ફૂટપાથનું નિર્માણ ગેરકાયદે દબાણ ખડકનારાઓ માટે કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં એક પણ રાજમાર્ગ પર એક પણ ફૂટપાથ એવી નહી હોય જયાં રેકડી કેબીનનું દબાણ ન હોય કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓએ જાણે ફૂટપાથ વેંચીમારી હોય તેવું લાગી રહ્યું છે. ફૂટપાથ પરના દબાણોના કારણે ટ્રાફીક જામ અને અકસ્માત સર્જાવાની ઘટનાઓ સતત બની રહે છે. છતા તંત્ર માત્ર મૂક પ્રેક્ષક બની તમાશો નિહાળે છે

ફૂટપાથીયા ધંધાના કારણે રોડ પર  ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે: અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે.

Screenshot 25 2

શહેરના દરેક રાજમાર્ગ પર રાહદારીઓની સુવિધા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે.પરંતુ રાજકોટમાં ફૂટપાથ રાહદારીઓનાં ચાલવા માટે નહીં પરંતુ રેકડી-કેબીન રાખવા માટે બનાવવામાં આવતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અમૂક રોડ તો એવા છે કે જયાં દબાણકર્તાઓ બેફામ થઈ ગયા હોય તેમ ફૂટપાથ પર અન્ય સામાન રાખે છે. અને રોડ પર રેકડી કેબીન રાખક્ષ ડબલ દબાણ ખડકી રહ્યા છે.

ગેરકાયદે દબાણો દૂર કરવાનું માત્ર નાટક જ કરાય છે: અધિકારીઓની મહેરબાનીથી દબાણકર્તાઓને મજોમજો.

કોર્પોરેશન દ્વારા પણ આ ફૂટપાથીયા વેપારીઓને પ્રોત્સાહન આપવામા આવી રહ્યું હોય તેમ ફૂટપાથ પર પેવીંગ બ્લોક પાથરી આપવાની અને નજીકનાં વીજ પોલ પર એલઈડી બલ્બ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. જયારે ફૂટપાથ પર પેવીંગ બ્લોક નાખવાનું કામ ચાલુ હોય ત્યારે દબાણકર્તાઓ સ્વેચ્છાએ જતા રહે છે. અને જેવું કામ પૂર્ણ થાય કે તરત જ તંત્રની મહેરબાનીથી ફરી ફૂટપાથ પર આવી જાય છે.

ફૂટપાથ પર ધંધો કરતા વેપારીઓ પર કોર્પોરેશનના ચાર હાથ:પેવિંગ બ્લોક અને સ્ટ્રીટલાઈટની સુવિધા પુરી પાડે છે.

રાજકોટના મૂખ્ય રાજમાર્ગોનેદબાણ મૂકત કરવા છેલ્લા બે માસથી મહાપાલિકા દ્વારા વનવીક વન રોડ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી માત્રનેમાત્ર કાગળ પર વેગવંતી છે. જે સ્થળેથી દબાણો દૂર કરવામાં આવે ત્યાં બીજા જ દિવસે દબાણો ખડકાય જાય છે. ફૂટપાથ પણ દબાણમૂકત ન રાખી શકનારૂ તંત્ર હવે માર્જીંગ-પાર્કિંગને દબાણ મૂકત કરવાની ડંફાશો મારી રહ્યું છે.

રાજકોટમાં જાણે ફૂટપાથ વગર મૂડી રોકાણે ધંધો કરવાનું શ્રેષ્ઠ સ્થળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ફૂટપાથ પર રેકડી,કેબીન, પાટ-પાથરણાના દબાણો ખડકાયા હોવાના કારણે અહી જયારે ગ્રાહક આવે ત્યારે તે પોતાના વાહનો રોડ પર આડેધડ પાર્ક કરીદેતા હોય છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા અને અકસ્માત પણ સર્જાય છે. એક પણ ફૂટપાથ ખૂલ્લી નથી આ વાત કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ સારી પેઠે જાણે છે. છતા આજ સુધી રાહદારીઓ માટે ફૂટપાથ ખૂલ્લી કરાવવા ગંભીરતાથી કોઈ જ કામગીરી કરવામા આવી નથી.

ફૂટપાથ પર ધંધો કરવાનો હપ્તો ચારથી પાંચ આંકડામાં!

Screenshot 27 3

ફૂટપાથ પર ધંધોકરતા પાટ-પાથરણા અને રેકડી-કેબીન ધારક દર મહિને કોર્પોરેશનના અધિકારીઓને ચારથી પાંચ આંકડાઓમાં હપ્તા ચૂકવતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જયારે દબાણો હટાવવા માટેની કામગીરી હાથ ધરવાની હોય ત્યારે કોર્પોરષશનના કર્મચારીઓ દ્વારા જ અગાઉથી દબાણકર્તાઓને જાણ કરી દેવામાં આવે છે. જેના કારણે તેઓની રેકડી-કેબીન સલામત રહે છે. અધિકારીઓ હપ્તા વસુલતા હોવાની વાત શાસકો સારીપેઠે જાણે છે. પરંતુ તેઓ પણ આ દુષણને અટકાવવા માટે લાલઆંખ કરવાનું નામ લેતા નથી અધિકારીઓ સાથે શાસકો પણ મીલી ભગત ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે.

અનેક જગ્યાએ ફૂટપાથ પર પરમેનન્ટ દબાણ !

ફૂટપાથ પર દબાણ ખડકનારાઓને જાણે તંત્રની રતીભાર પણ બીક રહી નહોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં અનેક રોડ એવા છે જયાં ફૂટપાથ પર પરમેનન્ટ દબાણ છે. રાત્રિના સમયે પણ દબાણ હપ્તુ નથી. કેબિનને ફિકસ કરી દેવામાં આવી છે. દબાણ હટાવ કામગીરી દરમિયાન તેની કાંકરી પણ ખરતી નથી. તંત્ર સાથે ઘનિષ્ઠ ધરોબો ધરાવતા દબાણકર્તાઓ દ્વારા આવુ કાયમી દબાણ ખડકી દેવામાં આવે છે. છતા તેને ઉની આંચ પણ આવતી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.