ડીવાયએસપીના નેજા હેઠળ વાહનો, ફટાકડાના સ્ટોલનું સઘન ચેકીંગ
તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન જૂનાગઢ પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પીઆઇ. આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી, બી ડિવિઝન પીઆઇ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પીએસઆઈ. કે.એસ.ડાંગર, ભવનાથ પોલીસ પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી, જૂનાગઢ શહેરના આઝાદ ચોક, જવાહર રોડ, મંગનાથ રોડ, દીવાન ચોક, માંડવી ચોક, ઝાંઝરડા રોડ, ખલીલપુર રોડ, ગાંધી ચોક, મોતીબાગ રોડ, વિગેરે સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ તેમજ ફટાકડા ના સ્ટોલનું ચેકીંગ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ઈરાની ગેંગથી સાવચેત રહેવા માટે સમજાવવામાં આવે છે.
ઉપરાંત, હાલના કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા પણ લોકોને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા પણ જાહેરાત કરી, સાવચેત કરવા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.