હાપા તેમજ કાનાલુસ સ્ટેશન પર યાત્રી સુવિધાના વિવિધ નિર્માણ કાર્યોનો શુભારંભ
પશ્ચીમ રેલવેના રાજકોટ મંડલના ખંભાળીયા સ્ટેશન પર નવા ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી.બી.નિનાવેએ અતિથિઓનું સ્વાગત કર્યું અને પુનમબેન માડમ દ્વારા રેલવે સુવિધાઓને વધારવા માટે કરવામાં આવી રહેલા નિરંતર પ્રયાસોને બિરદાવ્યા. માડમે આ અવસર પર જણાવ્યું કે ખંભાળીયાસ્ટેશન પર બનેલા આ ફુટ ઓવરબ્રિજનો ખર્ચ ૧ કરોડ ૬૦ લાખ રૂપિયા છે તથા તેના બની જવાથી યાત્રીઓને ૧ નંબર પ્લેટફોર્મથી ૨ નંબર પ્લેટફોર્મ પર જવા માટે ઘણી સરળતા રહેશે સાથે તેમણે એવું પણ જણાવ્યું કે, ખંભાળીયા સ્ટેશન પર બની રહેલ યાત્રી લીફટનું કામ પણ થોડાક સમયમાં જ પૂર્ણ થઈ જશે.
તેની સાથે જ કાનાલુસમાં નવા સ્ટેશન બિલ્ડીંગનું નિર્માણ કાર્ય તથા હાપામાં ફુટ ઓવરબ્રિજનું નિર્માણ તેમજ પ્લેટફોર્મ ૧ના વિસ્તારિકરણના કામનો શુભારંભ પણ સાંસદ પુનમબેન માડમ દ્વારા કરાયો. કાર્યક્રમના અંતમાં વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે આભાર વ્યકત કર્યો.કાર્યક્રમનું સંચાલન વિવેક તિવારીએ કર્યું. આ સમારોહમાં ખંભાળીયાની નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, જિલ્લા ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ, મંડલ એન્જિનિયર ઈન્દ્રજિત કૌશિક સહાયક વાણીજય પ્રબંધક રાજેશકુમાર પુરોહિત રેલવેના અન્ય વરિષ્ઠ રેલ અધિકારી મોટી સંખ્યામાં ખંભાળીયાની જનતા ઉપસ્થિત રહી.