કૃષિ પ્રધાન ભારતમાં હજુ કુલ ખેત પેદાશોમાંથી ૩૦ ટકા જણસ નાશવંત, વિશ્વના વિકસીત દેશોમાં આ ટકાવારી માત્ર ૧ થી ૩ ટકા જ, ભારતમાં જો ખેત પેદાશો જાળવવાની વ્યવસ્થા થઈ જાય તો ખેડૂતોના અભરે ભરાય અને દેશનું અર્થતંત્ર સધ્ધર થઈ જાય
કૃષિ પ્રધાન ભારતમાં અર્થતંત્રના આધાર એવા કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાથી લઈને કૃષિના વિકાસ સુધીની તમામ મહત્વકાંક્ષી પરિયોજનાઓનો સુપેરે અમલ થાય તે માટે સરકારે પ્રતિબધ્ધતાના ધોરણે કામગીરી શરૂ કરી છે ત્યારે કૃષિ પેદાશોની નાશવંત ટકાવારીને કાબુમાં લેવાની દિશામાં સરકારે અસરકારક કામગીરી હાથ ધરી છે. ભારતને કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો મહત્વનો ફાળો છે. નિકાસદર, કૃષિ પેદાશો અને સારા, મોળા વર્ષ અને વરસાદ પર આધારિત હોવા છતાં ભારતમાં નાશવંત કૃષિ પેદાશોની ટકાવારી ૩૦ ટકા જેટલી છે. બીજા શબ્દોમાં કહીએ તો ખેડૂતોના ખળામાં પાકતી ૩૦ ટકા જણસ એવી હોય છે જે ખેડૂતોના ઘરથી વેપારીના થડા સુધી પહોંચતા જ નાશ પામે છે. આ જ સ્થિતિમાં ઈઝરાયલ, ફ્રાન્સ, જર્મની જેવા ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરતા દેશમાં માત્ર ૧ થી ૩ ટકા જ જણસ નાશ પામે છે.
આપણા દેશમાં હજુ આ ક્ષેત્રમાં ઘણી જ તકો રહેલી છે. ખેડૂતોની જણસ લાંબો સમય સુધી ટકે તે આપણા માટે જરૂરી છે. ડુંગળી, બટેટા, શાકભાજી, ફળફળાદી અને પાક મસાલા, લસણ જેવી ઘણી એવી જણસ છે કે જે સાચવવાના અભાવે પાણીના મુલ્યે વેંચી દેવાય છે. હવે સરકારે આ દિશામાં મહત્વનું ખેડાણ શરૂ કર્યું છે.
પંજાબમાં સરકારે તૈયાર કરવામાં આવેલા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તેનો લાભ ૨૫૦૦૦ ખેડૂતોને મળશે અને ૫૦૦૦ નોકરીઓ ઉભી થશે. ફૂડ પ્રોસેસીંગ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પંજાબના કપુરથલાના ફાગવાળામાં મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું જેનો લાભ ૨૫૦૦૦ ખેડૂતોને થશે. કૃષિ ક્ષેત્ર દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પંજાબના ૧૦૭.૮૩ કરોડના પ્રોજેકટ માટે ૫૫ એકર જમીન સંપાદીત કરવામાં આવી છે. પંજાબે શરૂ કરેલી આ પહેલ સમગ્ર ભારતમાં નવી ક્રાંતિ સર્જેશે. પંજાબમાં ઘઉં, ચોખાનું ઉત્પાદન બમ્પર થાય છે. અહીં ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે મેગા ફૂડ પાર્ક, વેરહાઉસ, સીલોજ કોલ્ડ સ્ટોરેજ, ડીપ ફ્રીઝર અને ફૂડ પ્રોસેસીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકારે ફૂડ પ્રોસેસીંગના વિકાસ માટે ૧૦,૦૦૦ કરોડનું ભંડોળ ઉભુ કર્યું છે. જેનાથી ખાદ્ય પેદાશોનો બગાડ ઓછો થશે અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળશે. આવનાર દિવસોમાં પંજાબના પગલે ગુજરાત સહિતના રાજ્યો કે જ્યાં નાશવંત જણસની ટકાવારીનું પ્રમાણ ખુબજ વધુ છે તેવા રાજ્યો જો પંજાબના પગલે ફૂડ પ્રોસેસીંગ યુનિટના નિર્માણ માટે કમરકસે તો કૃષિ ક્ષેત્રે ખેડૂતોની આવક માત્ર બે ગણી નહીં બસ્સો ગણી થાય તેમાં બે મત નથી.