હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ શોપ, ડેરીફાર્મ, જયુસ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર અને ખાદ્ય સામગ્રીનાં વેચાણકર્તાઓને ત્યાં કડક ચેકિંગ હાથ ધરવા ફુડ શાખાને સુચના: શાકમાર્કેટ અને હોકર્સ ઝોનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોવાનું માલુમ પડશે તો થડાની ફાળવણી કે રજીસ્ટ્રેશન કરાશે કેન્સલ
રાજકોટમાં પ્લાસ્ટીકનાં વેચાણ સંગ્રહ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં પ્લાસ્ટીકનો બેસુમાર ઉપયોગ થતો હોવાની વાત ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરતી હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ શોપ, ડેરી ફાર્મ, જયુસ પાર્લર, આઈસ્ક્રીમ પાર્લર તથા અન્ય ખાદ્ય સામગ્રીઓનું વેચાણ કરતાઓને ત્યાં કડક ચેકિંગ કરવા શાખાને આદેશ આપ્યો છે.
આજે સવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગે આરોગ્ય શાખા તથા ફુડ વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરમાં ગત ૪ જુનથી સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે છતાં હજુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનરે હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ શોપ, ડેરી ફાર્મ, જયુસ પાર્લર અને આઈસ્ક્રીમ પાર્લરને ત્યાં ચેકિંગ હાથ ધરવા આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગને સુચના આપી છે. શહેરમાં કોઈપણ પ્રકારની પ્લાસ્ટીકની કેરી બેગનો ઉપયોગ કરી શકાશે નહીં. પ્લાસ્ટીકની સ્ટ્રોનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. ખાણી-પીણીમાં વપરાતા પ્લાસ્ટીકનાં થાળી-વાટકા, ચમચી, ગ્લાસનાં ઉપયોગ પણ કરી શકાશે નહીં. આ માટે ફુડ વિભાગની પાંચ ટીમો બનાવી શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે જયાં કયાંય જાહેરનામાનું ઉલ્લંઘન કરી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવશે તો આસામી સામે દંડાત્મક પગલા લેવામાં આવશે. જરૂર પડયે ફુડ લાયસન્સ પણ કેન્સલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે શાકમાર્કેટ અને હોકર્સ ઝોનમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો છે. જોકે ફેરીયા કે વેપારી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતો માલુમ પડશે તો તેનું હોકર્સ ઝોનનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. વેજીટેબલ માર્કેટમાં પણ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે તો વેપારી વિરુઘ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને જરૂર પડયે થડાની ફાળવણી પણ રદ કરવામાં આવશે. શહેરીજનોને પણ ખરીદી કરવા માટે જાય ત્યારે કપડાની બેગ અચુક સાથે લઈ જવા માટે કમિશનરે અપીલ કરી છે.