લોકડાઉનનો ફાયદો ઉઠાવી અખાદ્ય ચીજવસ્તુઓ ધાબડતા વેપારીઓ સામે કડક કાર્યવાહી: ૧૦ મોલ-જનરલ સ્ટોર્સને નોટિસ

હાલની લોકડાઉનની સ્થિતિનો ફાયદો ઉઠાવી ગ્રાહકોને અખાદ્ય ચીજવસ્તુઓ ધાબડતા વેપારીઓ સામે મહાપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ૧૦ મોલ અને જનરલ સ્ટોર્સમાંથી ૧૧૦ કિલો અખાદ્ય જથ્થો ઝડપાતા તેનો નાશ કરી નાખવામાં આવ્યો હતો. સાથો સાથ આ તમામને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને જનઆરોગ્ય હિતાર્થે શહેેરના ૨૮ જેટલા મોલ, જનરલ સ્ટોર્સ અને સુપર માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાના મવા રોડ પર આવેલ પંચનાથ સીઝન સ્ટોરમાં એકસ્પાયર વિતેલ ૧૨ કિલો બ્રેડ, પંચનાથ પ્લોટમાં ડી.કે.એન્ટરપ્રાઈઝમાંથી એકસ્પાયર ડેટ વિતેલ ૧૨.૫ કિલો બ્રેડ, નાના મવા રોડ પર રિયાન્સ જનરલ સ્ટોર્સમાંથી એકસ્પાયરી ડેટ વિતેલ ૨ કિલો બ્રેડ તેમજ ગણેશ પ્રો.સ્ટોર્સમાંથી એકસ્પાયરી ડેટ વિતેલ સિંગ, વેફર્સ, બિસ્કીટ સહિતનો ૮ કિલો જથ્થો, વિદ્યુતનગર મેઈન રોડ પર દેવ જનરલ સ્ટોર્સ પર એકસ્પાયરી ડેટ વિતેલ ૬૨ કિલો ખાદ્ય ચીજો, પટેલ પ્રો.સ્ટોર્સમાંથી એકસ્પાયરી ડેટ વિતેલ ૭ કિલો ખાદ્ય ચીજો, ચિત્રકુટ ધામ ખાતે ખોડીયાર ખીરુમાંથી મેન્યુફેકચરીંગ ડેટ વગરનું ૩ કિલો ખીરુ તેમજ બોલબાલા માર્ગ પર સદ્ગુરુ સિંગ સેન્ટરમાંથી એકસ્પાયરી ડેટ વિતેલ સીરપ, બિસ્કીટ, ખાખરા સહિતનો ૭ કિલો જથ્થો, મંગળા રોડ પર આર.કે.સોપીંગમાંથી ૪ કિલો વાસી ફરસાણ તેમજ રૂપારેલી બ્રધર્સમાંથી એકસ્પાયરી ડેટ વિતેલ ચોકલેટ, પીપર સહિતનો પાંચ કિલો જથ્થો મળી કુલ ૧૧૦ કિલો અખાદ્ય ચીજોનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. સાથો સાથ આ તમામને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.