- વલ્લભનગર સોસાયટીમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા
- 20 થી વધુ વિક્રેતાઓને ત્યાં મળ્યા અખાદ્ય પદાર્થ
- તમામને નોટિસ પાઠવી દંડનાત્મક કાર્યવાહી કરાઈ
સુરતમાં બીજા દિવસે પુણા વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં વધતા જતા રોગચાળા સામે ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ખરાબ તેલમાં પુરી તળાઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ પાણી પુરીના વિક્રેતાઓને ત્યાં પુરી અને બટેટા ખરાબ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 20થી વધુ વિક્રેતાઓને ત્યાં અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા તમામને નોટિસ પાઠવી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉનાળા દરમિયાન આ પ્રકારની અખાદ્ય ચીજ વસ્તુઓ ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થતું હોય છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે, ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતના ખૂબ જ ગંભીર વિષય છે. પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી કરવામાં આવતી નથી. તેમજ જે મટિરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. ઉનાળા દરમિયાન બહાર આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવાને કારણે પેટના રોગ સહિત ઝાડા-ઊલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે.
પાલિકાની ટીમે સોમવારે ઉધના, પાંડેસરા, ગોવાલકમાં દરોડા પાડતાં ગંધાતી ખોલીઓમાં પાણીપૂરીની પૂરી બનાવવાના મિની ગોડાઉન મળી આવ્યા હતા. અહીં જ્યાં લોટ બાંધતા ત્યાં જ સૂતા-ચાલતા હતા. સ્થળ પરથી સડેલા બટાકા, ફૂગવાળા ચીકણા ચણા મળી આવ્યા હતા. 5થી 7 દિવસ પહેલાં પૂરી બનાવી ગંદકીમાં મુકી રાખી સપ્લાય કરતા હતા.
દરોડા પાડ્યાં તે વિસ્તારોમાં ડાયેરિયાના સૌથી વધુ કેસ છે. ટીમે સેન્ટ્રલ ઝોનમાં 21 સંસ્થામાં ચેકિંગ, 82 કિલો પૂરીનો નાશ કરી 8250નો દંડ વસૂલ્યો હતો તથા ઉધનામાં 24 સંસ્થા ચેક કરી 286 કિલો નાશ કરી 18,200 દંડ વસૂલ્યો હતો. તમામ સ્થળો મળી કુલ 1 લાખ પાણી પૂરી સહિતનો 983 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. ગોવાલક રોડ પર 15 ઝૂંપડાંમાં પાણીપુરી બનતી હતી. તળવા માટેનું તેલ કાળું હતું. પાણીપુરી તળી ને ગંદી જગ્યા પર જ ઠાલવી ને ઠગલો કરાતો હતો. પાણીપુરી બનાવતાં 45 લોકો સામે કાર્યવાહી 25 હજારથી વધુનો દંડ વસૂલાયો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય