ચાલુ વર્ષે સેન્ટ્રલ પુલ માટે ઘઉંની ૩૮૨ લાખ મેટ્રીક ટન જ્યારે ડાંગરની ૧૧૯ લાખ મેટ્રીક ટનની ખરીદી કરાઈ
દેશના ૪૨ લાખ ખેડૂતોને ઘઉંના લઘુતમ ટેકાના ભાવ માટે ૭૩૫૦૦ કરોડ રૂપિયાચૂકવાયા
ભારતીય ખાદ્ય નિગમના સીએમડી ડી.વી. પ્રસાદ અને ગુજરાત ખાદ્ય નિગમના જનરલ મેનેજર આસીમ છાબડાની સરાહનીય કામગીરી
વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ લોકોની જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ માટે કેન્દ્ર સરકારે ખુબ સારી ખેવના કરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ ભારતીય ખાદ્ય નિગમ આવનારા દિવસો અને મહિનાઓમાં લોકોને જો અનાજની જરૂરીયાત પડે કે, વધારાનો જથ્થો જોઈએ તો તે માંગને પૂરી કરવા માટે એફસીઆઈ સજ્જ છે. હાલના સમયમાં સરકારી એજન્સીઓ દ્વારા સેન્ટ્રલ પુલ માટે ઘઉં માટે કુલ ૩૮૨ લાખ મેટ્રીક ટનની ખરીદી કરવામાં આવી છે. જ્યારે ડાંગરની ખરીદી સરકાર દ્વારા ૧૧૯ લાખ મેટ્રીક ટનની કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ ભારતના ૪૨ લાખ ખેડૂતોને ઘઉંના લઘુતમ ટેકાના ભાવ માટે કુલ રૂ. ૭૩૫૦૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. સરકારી એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસે ઘઉંની ખરીદીનો સાર્વત્રીક રેકોર્ડ પણ બનાવ્યો છે અને હાલ આ કાર્ય યથાવત રીતે ચાલુ પણ છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ૩૮૧.૪૮ લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. જે આંકડો ૩૮૨ લાખ મેટ્રીક ટને પહોંચી ગયો છે. હાલ આ પ્રયાસ કોવીડ-૧૯ના રોગચાળા દરમિયાન પૂર્ણ થયો છે. જ્યારે સમગ્ર દેશ લોકડાઉનની અસર હેઠળ જીવી રહ્યું છે.
લોકડાઉનના કારણે ખરીદી એક પખવાડિયા મોડી થઈ હતી અને ૧લી એપ્રીલની તુલનામાં રાજ્યોમાં ઘઉંના મોટાભાગનો સરપ્લસ જથ્થો ૧૫ એપ્રીલથી બંધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારો અને ભારત સરકારના ભારતીય ખાદ્ય નિગમની આગેવાની હેઠળ તમામ સરકારી ખરીદી એજન્સી દ્વારા અવિશ્ર્વસનીય પ્રયાસો મારફતે કરવામાં આવી છે. જેથી કોઈ વિલંબ વીના અને સલામત રીતે ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવે. આ વર્ષે પરંપરાગત કેન્દ્રો સીવાય તમામ સંભવિત સ્થળોએ પ્રાપ્તી કેન્દ્રો ખોલીને ખરીદ કેન્દ્રોની સંખ્યા ૧૪૮૩૮થી વધારીને ૨૧૮૬૯ કરવામાં આવી છે. આનાથી મંડીઓમાં ખેડૂતોને જવાની જરૂર નથી પડી અને યોગ્ય સામાજીક અંતર પણ સુનિશ્ર્ચીત કરવામાં આવ્યું છે.
ટોકન સીસ્ટમ દ્વારા મંડીઓમાં દૈનિક અનાજના પ્રવાહને નિયંત્રીત કરવા માટે તકનીકી ઉકેલો લાવવામાં આવ્યા હતા. આ સીવાય મંડીઓમાં નિયમીત સ્વચ્છતા, દરેક ખેડૂતો માટે ડમ્પીંગ વિસ્તારોને ચિન્હીત કરીને ખાતરી પણ કરવામાં આવી કે, દેશમાં ક્યાંય પણ અનાજ ખરીદી કેન્દ્રો કોવિડ-૧૯ માટેના હોટસ્પોટ ન બનવા જોઈએ. આ વર્ષે ૧૨૯ લાખ મેટ્રીક ટન ઘઉં સાથે કેન્દ્રીય પુલમાંથી સૌથી મોટો ફાળો આપનાર મધ્યપ્રદેશ રાજ્ય બન્યું છે. ત્યારબાદ પંજાબ ૧૨૭ લાખ મેટ્રીક ટનની ખરીદી પણ કરી છે. ઘઉંની રાષ્ટ્રીય પ્રાપ્તીમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનનું પણ નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું છે. કેન્દ્રીય પુલમાં ખાદ્ય અનાજનો મોટો ધસારો એ સુનિશ્ર્ચિત કર્યું છે કે, આગામી માસમાં દેશવાસીઓની વધારાની જરૂરીયાતને પહોંચી વળવા માટે તૈયાર છે.
આ જ સમયગાળા દરમિયાન સરકારી એજન્સીઓ દ્વારા ૧૩૬૦૬ પ્રાપ્તી કેન્દ્રો મારફતે ૧૧૯ લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી છે. આ તમામ મુદ્દાને ધ્યાને લઈ ભારતીય ખાદ્ય નિગમના સીએમડી ડી.વી.પ્રસાદ અને ગુજરાત રાજ્ય ખાદ્ય નિગમના જનરલ મેનેજર આસીમ છાબડાની સરાહનીય કામગીરીના પગલે આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે જે અંગેની માહિતી રાજકોટ ખાદ્ય વિભાગના પ્રોટોકોલ અધિકારી મહેન્દ્ર પાટીલ દ્વારા ‘અબતક’ને આપવામાં આવી હતી.