વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ ખોરાક આરોગવાથી ઈન્સોમેનીયાનો ભોગ બનવાની દહેશત
વ્યક્તિને ‘ઉંઘ’ કેવી આવશે તે બાબત સાથે તેને ભોજનમાં લીધેલા પદાર્થ જવાબદાર હોવાનું આયુર્વેદમાં અનેક વખત નોંધાયું છે. હવે વિજ્ઞાન પણ આ બાબતની પુષ્ટી આપી રહ્યું છે. રિફાઈન કરેલો કાર્બોહાઈડ્રેડ ખોરાક આરોગવાથી અનિંદ્રાનું જોખમ રહેતું હોવાનું તાજેતરમાં થયેલા એક અભ્યાસથી સામે આવ્યું છે.
માણસના જીવનમાં સુખ શાંતિ સાથે ઉંઘ સીધી રીતે સંકળાયેલી છે. વર્તમાન સમયમાં ૩૦ ટકા લોકો ઈન્સોમેનીયા એટલે કે અનિંદ્રાનો ભોગ બની ચૂકયા છે. ઈન્સોમેનિયાના કારણે માણસના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભુ થાય છે. અનિંદ્રાના કારણે માત્ર આળસ કે સુષ્તીનો ભોગ બનતા નથી પરંતુ અન્ય ગંભીર બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે. અનિંદ્રા પાછળ ઘણી વખત માનસીક તનાવ જવાબદાર હોવાનું જણાવાય છે. જો કે, આ એક માત્ર કારણ અનિંદ્રા પાછળ જવાબદાર નથી. માણસે ભોજનમાં રાખેલી કાળજીથી અનિંદ્રાની તકલીફ ભગાડી શકાય છે. તાજેતરમાં કોલંબીયા યુનિવર્સિટી વેગેલોસ કોલેજ ઓફ ફીઝીશીયન અને સર્જન દ્વારા થયેલો અભ્યાસ તાજેતરમાં પ્રસિધ્ધ થયો હતો. જે મહિલાઓ કાર્બો હાઈડ્રેડ અને સુગર વધુ ધરાવતો ખોરાક લેતી હોય તે ઈન્સોમેનીયાનો ભોગ બને તેવી દહેશત વધુ છે.
ખોરાક સાથે અનિંદ્રાને સીધો સંબંધ હોવાનું આ અભ્યાસ પરથી જાણવા મળી રહ્યું છે. અભ્યાસ માટે સંશોધકોએ ૫૦,૦૦૦ લોકોની રહેણી-કરણીની વિગતો એકઠી કરી હતી. આ અભ્યાસમાં સૌથી વધુ મહિલાઓ જોડાઈ હતી. ડાઈટીંગ પ્રત્યે વધુ ચુસ્ત રહેતી હોય તેવી મહિલાઓ પણ ઈન્સોમેનીયાનો ભોગ બની શકે તેવી ચેતવણી અભ્યાસના આંકડા પરથી સામે આવી હતી. ભારતમાં મહિલાઓ માટે ખોરાક શૈલી અન્ય દેશો કરતા ખુબજ અલગ છે. ફ્રૂટનો ઉપયોગ સામાન્ય રીતે ઓછો જોવા મળે છે. દરેક ફળમાં સુગરનું પ્રમાણ હોય છે પરંતુ તેમાં રહેલુ ફાયબર સુગર સામે લડવામાં મદદરૂપ થાય છે. જો કે, વધુ પ્રમાણમાં કાર્બો હાઈડ્રેડ (રિફાઈન થયેલ) લેવાયું હોય તો અનિંદ્રાનો ભોગ બની શકાય છે. વ્હાઈટ બ્રેડ, રાઈસ, સોડામાં કાર્બો હાઈડ્રેડનું પ્રમાણ ખુબજ વધુ હોય છે જે વધુ પ્રમાણમાં ખાવાથી ઉંઘ ન આવે તેવી શકયતા છે.