ઉત્પાદન સ્થળ પર બેફામ ગંદકી અને જીવાતોનો ઉપદ્રવ: એક્સપાયર થયેલા સ્વીટ્નર, ફ્લેવરીંગ એસેન્સ અને સોસ સહિતનો જથ્થો મળી આવ્યો: નોટિસ ફટકારાય
જો તમે ભારત બેકરીમાંથી હોંશેહોંશે બેકરી પ્રોડક્ટની ખરીદી કરતા હોય તો હવે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે આજે ચોક્કસ બાતમીના આધારે કોર્પોરેશન દ્વારા ભારત બેકરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉત્પાદક સ્થળ પર બેફામ ગંદકી જોવા મળી હતી. સાથોસાથ જીવાતનો પણ ઉપદ્રવ દેખાયો હતો. એક્સપાયરી ડેઇટ વિતી ગયેલા માલનો નાશ કરવાના બદલે ગોડાઉનમાં સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. ટેકનીકલ પર્સન પણ ગેરહાજરી જોવા મળી હતી. જ્યારે બેકરીમાં કામ કરતા કારીગરોના પણ મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યા ન હોવાનું માલૂમ પડ્યું હતું. રાજકોટમાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ખૂલ્લે આમ ચેડાં કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ચેકીંગ દરમિયાન મોટાભાગની હોટેલ, રેસ્ટોરન્ટ કે દુકાનોમાંથી વાસી અથવા અખાદ્ય ખોરાક મળી આવે છે.
શહેરના ભીમવાસ રોડ પર આવેલી ખ્યાતનામ ભારત બેકરીમાં આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન 120 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી અને ફૂડ ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે શહેરના ભીમવાસ રોડ પર આવેલી ભારત બેકરીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહિં તપાસ કરતા પેઢીમાં બેકરી પ્રોડક્ટનું જ્યા ઉત્પાદન થતું હતું ત્યાં બેફામ ગંદકી અને જીવાતનો ઉપદ્રવ મળી આવ્યો હતો. અન્ય ન્યૂસન્સ પણ જોવા મળ્યા હતા. ઉત્પાદન સ્થળે ભંગાર, બીન જરૂરી સામાન, કોથળા મળી આવ્યા હતા. જ્યારે ગંદકી જામેલી હતી અને ફૂંગ તેમજ વંદા જોવા મળ્યા હતા.
સ્થળ પર ચેકીંગ દરમિયાન એક્સપાયર થયેલ બેકરી પ્રોડક્ટના ઇન્ગ્રીડીયર્સ જેવા કે સ્વીટ્નર, ફ્લેરિંગ એસેન્સ, સોસ અને કલરનો જથ્થો પણ મળી આવ્યો હતો. કોલ્ડરૂમમાં સંગ્રહ કરેલ વાસી કેક અને બ્રાઉની તથા બેકરી પ્રોડક્ટ મળી આવ્યા હતા. બટર પેપરની જગ્યાએ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. નિયમ મુજબ બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન થતું હોય ત્યાં ટેકનીકલ પર્સનને ફરજિયાતપણે હાજર રાખવાના હોય છે પરંતુ ભારત બેકરીમાં આજે ટેકનીકલ પર્સનની ગેરહાજરી જોવા મળી હતી. સ્થળ પરથી રસપટ્ટી ટોસ્ટ, કેમિકલ તથા અન્ય પાવડરના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેકરીમાં કામ કરતા કામદારોના મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યા ન હોવાનું માલૂમ પડ્યું હતું. આ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી.