તહેવારોમાં જન આરોગ્ય જાળવવા તંત્ર જાગ્યું
મીઠાઈ-ફરસાણના વેપારીઓને ત્યાં ફૂડ શાખાનું ચેકિંગ: મીઠાઈ-ફરસાણના નમુના લીધા
અખાદ્ય તેલનો નાશ કરતી મ્યુ. ફૂડ શાખા
જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને મીઠાઇ-ફરસાણના વિક્રેતાઓને ત્યાં અવિરત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તૈયાર મીઠાઈ ફરસાણના નમુનાઓ એકત્ર કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ અખાદ્ય તેલના જથ્થાનો કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે મ્યુ.તંત્રે મીઠાઇ ફરસાણની દુકાનોમાં દરોડા પાડી મીઠાઈ ફરસાણના નમૂના એકત્ર કર્યા હતા અને ૧૬ કિલો અખાદ્ય તેલનો નાશ કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગોકુલનગર વિસ્તારમાં આવેલી દેવરાજ નમકીન નામની દુકાનમાંથી તીખા ગાંઠિયાના સેમ્પલ લેવાયા હતા ત્યારે બાજુમાં જ આવેલી હરિઓમ સ્વીટમાંથી મલાઈ કેકનું સેમ્પલ લેવાયું હતું. ઉદ્યોગ નગર વિસ્તારમાંથી શક્તિ ગૃહ ઉદ્યોગમાં કાજુ પિસ્તાના સેમ્પલો એકત્ર કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
જનતા સોસાયટી વિસ્તારમાં આવેલી શ્રીજી ડેરી ફાર્મમાં થાબડીના સેમ્પલો લેવાયા છે જ્યારે ગોકુલ નગર વિસ્તારમાં આવેલી ન્યુ ખોડિયાર ફરસાણ માંથી તીખા ગાંઠિયા અને ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણ માંથી બુંદીના લાડુના સેમ્પલો લેવાયા છે.
અક્ષર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ નામની હરિયા સ્કુલ સામે આવેલી દુકાનમાંથી મોહનથાળનું સેમ્પલ લેવાયું છે. ઈન્દિરા માર્ગ પર ગોરસ ડેરી ફાર્મમાંથી ચોકલેટ બરફી, સત્યમ કોલોની મેઇન રોડ પર આવેલી પટેલ સ્વીટ અને ફરસાણમાંથી ભાખરવડી ઉપરાંત હરિયા સ્કુલ સામે આવેલી શિવાલય ડેરીમાંથી મેંગો બરફીના સેમ્પલો એકત્ર કરીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. શહેરના ૨૦ જેટલા ફરસાણના વિક્રેતાઓને ત્યાં પણ ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલ અંગે પણ ટી.પી.સી. ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ૧૬ કિલો ખરાબ તેલ જે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.