પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે ખુલીને રોહિંગ્યા મુસલમાનોનું સમર્થન કર્યું છે. મસૂદે કહ્યું કે આ મ્યાનમારના મુસ્લિમોનું બલિદાન જ છે કે આખી દુનિયામાં મુસ્લિમ સમાજ એક થઇ ગયો છે. મસૂદ અઝહરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે કે રોહિંગ્યા મુસલમાનોનું પાકિસ્તાનના આતંકીઓ સાથે કનેક્શન હોઇ શકે છે અને આ દેશ માટે ખતરારૂપ બની શકે છે.
લાદેનને ગણાવ્યો સિંહ
મસૂદ અઝહરે રોહિંગ્યા અંગે કહ્યું કે આ મુદ્દા પર દુનિયાના તમામ મુસ્લિમોએ એક સાથે આવવું જોઇએ, આપણે ઝડપથી કંઇક કરવું જોઇએ. અઝહરે કહ્યું કે ઓસામા બિન લાદેન એક સિંહ હતો જે લોકોની મદદ માટે આગળ આવ્યો, ત્યારે મ્યનામારના બૌદ્ધ નેતા વિરાથૂની ટીકા કરી છે. તેમણે કહ્યું કે બિન લાદેન એક બહાદુર અને નીડર વ્યક્તિ હતો જેણે દુનિયાના સામ્રાજ્યવાદને પડકાર આપ્યો. જ્યારે વિરાથૂ માત્ર નિ:શસ્ત્ર લોકો પર દમન ગુજારી રહ્યાં છે.
શું કહે છે કેન્દ્ર સરકારનું સોગંદનામું
રોહિંગ્યા મુસ્લિમોને પાછા મ્યાનમાર મોકલવાની યોજના પર કેન્દ્ર સરકારે 16 પાનાનું સોગંદનામું સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે. આ સોગંદનામામાં કેન્દ્ર એ કહ્યું કે કેટલાંક રોહિંગ્યા શરણાર્થીઓનું પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો સાથે સંપર્કની ખબર પડી છે. એવામાં આ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી ખતરનાક સાબિત થઇ શકે છે.
કેન્દ્રે પોતાના સોગંદનામામાં સાથો સાથ કહ્યું કે જમ્મુ, દિલ્હી, હૈદ્રાબાદ, અને મેવાતમાં સક્રિય રોહિંગ્યા શરણાર્થીઓનું આતંકી કનેક્શન હોવાનું પણ ગુપ્ત માહિતી મળી છે. જ્યારે કેટલાંક રોહિંગ્યા હુંડી અને હવાલા દ્વારા પૈસાની હેરાફેરી સહિત વિભિન્ન ગેરકાયદે અને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ જોવા મળ્યા.
ગૃહ મંત્રાલયના મતે કાયદેસર 14000થી વધુ રોહિંગ્યા શરણાર્થી ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. જ્યારે 40000થી વધુ રોહિંગ્યાએ ગેરકાયદેસર શરણ લીધું છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મતે મ્યાનમારના રખાઇન પ્રાંતમાં હિંસાના લીધે 37,900થી વધુ રોહિંગ્યા મુસ્લિમ ભાગીને બાંગ્લાદેશ પહોંચી ચૂકયા છે.