લોકડાઉનમાં જિલ્લા જેલ અને દ્વારકાની પોસ્ટ ઓફિસો દ્વારા બંદીવાનો માટે ઈ-મનીઓર્ડરની કામગીરી કરાઈ: કેદીઓ જેલમાંથી જ પરિવારને જોઈને વાત કરી શકે તે માટે ઈ-મુલાકાત સુવિધા શરૂ કરાઈ
જામનગરમાં નોવેલ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી અને તેને રોકવાના ભાગરૂપે લાગુ કરાયેલા લોકડાઉનના પરિણામે ભારતભરની જેલોમાં કેદી તરીકે જીવન પસાર કરી રહેલા લોકોને પણ સ્વાભાવિકરીતે સામાન્ય લોકોની જેમ જ વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પરંતુ ભારતીય ન્યાયતંત્ર અને તમામ રાજ્યોના જેલ વિભાગો દ્વારા જેલમાં બંધ બંદીવાનોને જીવા આવશ્યક વસ્તુઓ માટે સગવડતા રહે અને તેમને કોરોના વાઇરસ મહામારીથી બચાવી શકાય તે બાબતે અથાગ અને અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે ગુજરાત જેલ વિભાગ જેલોના ડાયરેક્ટર અને ઈન્સ્પેક્ટર જનરલ ડો.કે.લક્ષ્મીનારાયણ રાવના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલાં ભરી બંદિવાનો માટે સગવડતા ઊભી કરી તેમને કોરોના વાઈરસથી બચાવવામાં મોખરે રહ્યું છે.
જામનગર જિલ્લા જેલ ખાતે પણ જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન એસ.એલ.ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ જિલ્લા જેલ ખાતે બંદીવાનોને આવશ્યક સુવિધા મળી શકે, તેમના માનવાધિકાર સંપૂર્ણ રીતે જળવાઈ રહે અને કોરોના વાઇરસથી બચાવી શકાય તે માટે વિવિધ પગલાઓ જેવા કે, ૨૪*૭ મેડિકલ સુવિધા, ક્વોરેન્ટાઇન બેરેકની સુવિધા, આઇસોલેશન બેરેકની સુવિધા, રેગ્યુલર ડિસઇન્ફેકશન ઓફ પ્રિમાઇસીસ, કેદીઓ, સ્ટાફ અને સ્ટાફના પરિવારોનું મેડિકલ સ્ક્રિનિંગ, રૂબરૂ મુલાકાત પર પાબંધી, ટિફિન સુવિધા પર રોક, બંદીવાનોની વચગાળાના શરતી જામીન પર મુક્તિ વગેરે પગલાઓ ખૂબ જ કારગર નીવડ્યાં છે.
વર્તમાન પરિસ્થિતિ અને બંદીવાનોને જરૂરિયાતો અને તેમના અધિકારોને ધ્યાને લઇ જિલ્લા જેલ અધિક્ષક જામનગર દ્વારા કેટલાક વધુ પગલાઓ લઇ સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેમાં મનીઓર્ડરની સેવા, ઇ-મુલાકાત સુવિધા, સેનિટાઇઝેશન બોક્ષ દ્વારા ડિસઇન્ફેકશનના પગલા લેવામાં આવ્યા છે.
ભારતભરમાં લોકડાઉનના અનુસંધાને ઇન્ડિયન પોસ્ટ દ્વારા તેમની સેવાઓમાં કાપ મુકવામાં આવેલ છે અને તેના પરિણામે હાલ મનીઓર્ડરની સેવા સ્થગિત રાખવામાં આવી છે. જેલમાં રહેલા બંદીવાનો માટે મનીઓર્ડરએ માસિક ખર્ચ માટે બહારથી પૈસા મેળવવાનું એકમાત્ર માધ્યમ હોય છે. આ બાબત પર જિલ્લા જેલ અધિક્ષકએ જામનગર ડિવિઝનના પોસ્ટ અધિક્ષક ટી.એન મલિક સાથે વિચાર વિમર્શ કરી બંદીવાનો માટે ઇ-મનીઓર્ડર સ્વીકારવાની દરખાસ્ત પર હકારાત્મક પગલું લઇ સમગ્ર ભારતમાં પ્રથમ એમ જામનગર પોસ્ટ અધિક્ષકના ડિવિઝનના બે જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકાની તમામ પોસ્ટ ઓફિસો અને સબ-પોસ્ટ ઓફિસોએ બંદીવાનોને પરિવારજનો પાસેથી તા. ૧૩-૧૫-૧૬ એપ્રિલ ૨૦૨૦ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ કલાકો વચ્ચે ઇ-મનીઓર્ડરો સ્વીકારવાનો સરાહનીય આદેશ કરેલ છે. ઇ-મનીઓર્ડરની રકમ રૂ.૨૦૦૦ સુધીની રહેશે જેના થકી બંદીવાન ભાઈઓને તેમના ઉપયોગ માટેની જીવન જરૂરી વસ્તુઓ વગેરે ખરીદવા માટે તેમના પરિવારજનો તેમને પૈસા મોકલી શકશે.
આમ જામનગર જિલ્લા જેલ અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાની પોસ્ટ ઓફિસો લોકડાઉનમાં સુવિધાની શરૂઆત કરનાર ભારતની પ્રથમ જેલ અને પ્રથમ પોસ્ટ ઓફિસો છે.ઇ-મનીઓર્ડર નોંધણી માટે ખાસ દિવસો અને સમયની ફાળવણી કરવામાં આવી છે તથા પરિવારનો ફક્ત એક જ સભ્ય મનીઓર્ડર નોંધાવવા જાય તેવા ખાસ સુચનો આપી જિલ્લા જેલ અધિક્ષક દ્વારા બન્ને જિલ્લાના કલેકટરઓ તથા જિલ્લા પોલીસ અધિક્ષકોના સહકારથી આ વ્યવસ્થા અમલમાં મૂકાઇ છે.
પોલીસ દ્વારા જનસારથી એપ્લીકેશન લોન્ચ કરાઈ
કોરોનાના કહેરથી બચવા આજે દરેક વ્યક્તિ શક્યત: દરેક પગલાંઓ લઇ રહ્યા છે.પરંતુ લોકોને જીવન આવશ્યક વસ્તુઓ માટે સમયાંતરે તો ઘર બહાર નીકળવું પડે જ છે, ત્યારે જામનગરના પોલીસ વિભાગ દ્વારા લોકોને ઘર બહાર ના નીકળવું પડે અને ઘરે જ જીવન આવશ્યક વસ્તુઓ પહોંચી શકે તે માટે જનસારથી એપ્લીકેશન બનાવી લોન્ચ કરાઇ છે.
નોવેલ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીમાં લોકડાઉનના અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ પ્રો.એ.એસ.પી સફીન હસન અને જામનગર પોલીસની ટીમ દ્વારા લોકડાઉનના અસરકારક અમલ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે જનસારથી એપ્લીકેશન બનાવવામાં આવી છે.
આ એપ્લિકેશન હાલમાં પોર્ટલ રૂપે લોન્ચ કરવામાં આવી છે. આ જનસારથી એપ્લિકેશન લોન્ચ કરવાથી જામનગરના લોકોને હોમડીલીવરી્, મેડિકલ ચેકઅપ, પ્રાથમિક જરૂરિયાત/અન્ય મદદ, શ્રમિકોઅને પરપ્રાંતિયો માટે મદદ અને રિપોર્ટીંગ જેવી સુવિધાઓ પ્રાપ્ય થશે.
જામનગરના લોકો પોતાના નજીકના દુકાનદારો પાસેથી શાકભાજી,દુધ,ફળો અને દવા મેળવવા માટે ફોન પર ઓર્ડર નોંધાવી શકશે, આ નોંધાવેલ ઓર્ડર પોલીસ દ્વારા અધિકૃત થયેલ દુકાનદાર દ્વારા હોમ ડીલીવરી એજન્ટ થકી લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
જામનગરના કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય ચકાસણી કરાવી હશે અથવા આસપાસના કોઇ લોકોમાં કોરોના સંબંધિત લક્ષણો દેખાતા તંત્રને જાણ કરવી હશે તો કોલ (હેલ્પલાઇન નંબર)- મેસેજ રીક્વેસ્ટ અથવા વિડીયો રિક્વેસ્ટ(વીડિયો રેકોર્ડ કરીને અપલોડ) દ્વારા અધિકારીને જાણ કરી શકાશે.
જામનગરના ક્વોરેંટાઇન વિસ્તારમાં પાણી, વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાત ન મળે તો લોકોમાં અસંતોષ ફેલાઇ શકે છે. જો મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ સેવાઓ સમય પર ન પહોંચે તો આ ઓપ્શનથી લોકો પોલીસને ફોટો, વિડીયો અથવા ટેકસ્ટ સ્વરૂપે મેસેજ કરી શકશે.
જામનગરમાં પરપ્રાંતીયો અને શ્રમિકો દ્વારા થતા સ્થળાંતરના ફોટા લઈને રિપોર્ટ કરી શકાશે અને એની લોકેશનના આધારે પોલીસ પગલાં લઇ શકશે. આ ઉપરાંત કોઈપણ ફેક્ટરી માલિક દ્વારા કામદારોનું ધ્યાન ન રાખવામાં આવતું હોય તેવા કોઇપણ પ્રશ્નો ઊભા થતા હોય તો તેનું પણ રિપોર્ટીંગ કરી શકાશે.
આ એપ્લિકેશન દ્વારા શેલ્ટર હોમ્સની લોકેશન અને મેપિંગ, કોરોના હોટસ્પોટ મેપિંગ, નોટિફિકેશન વગેરે પણ જાણી શકાશે, આ સુવિધાઓ સાથે આમાં લોકો અને વેપારીઓ બંનેનું રજિસ્ટ્રેશન થઈ શકે છે જેથી હોમ ડિલીવરી આપવા માટે રસ ધરાવતા વેપારીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે, પોલીસના ઇન્ટરફેસ દ્વારા ક્વોરેંટાઇન થયેલા લોકોની લોકેશન મોનીટરીંગ કરવામાં આવશે તથા લોકો તરફથી આવતી ફરિયાદ અને ફીડબેક દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવશે. હાલ આ સેવા સર્વે સેવાઓ http://jansarthi.in પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાશે.
પોલીસ વિભાગ જામનગર દ્વારા આ દરેક સેવાઓ પૂરી પાડવાનો હેતુ લોકોને સુરક્ષિત રાખવાનો છે, અને આ માટે પોલીસને સહકાર આપવા પોલીસ વિભાગ જામનગર દ્વારા લોકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે, ઘરે રહો, સુરક્ષિત રહો.