- સર્કિટ હાઉસમાં આવતીકાલે રાત્રિ રોકાણ કરી 2 માર્ચે સવારે રિલાયન્સના ‘વનતારા’માં પહોંચશે
- એરપોર્ટ થી લાલ બંગલા સર્કલ સુધીમાં બેરીકેટિંગ કરીને સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો: રીહર્સલની તૈયારી
ભારતના વડાપ્રધાન આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, અને તેઓ આવતીકાલે રાત્રિના જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. જેને લઈને જામનગર નજ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, અને લોખંડી સુરક્ષા જ ઝાપતો ગોઠવી દેવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને સર્કિટ હાઉસ સહિતનું લાલ બંગલા પરિસર સુરક્ષા કર્મીઓ ની છાવણીમાં ફેરવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની આગેવાનીમાં સમગ્ર વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, અને સંભવિત રાત્રિના નવેક વાગ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવાઈ માર્ગે જામનગરના એરફોર્ષ બેઝ પર ઉતરશે, ત્યારબાદ તેઓ મોટર માર્ગે જામનગરના એરપોર્ટ થી સર્કિટ હાઉસ આવવા માટે રવાના થશે. જે માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને છેક એરપોર્ટથી લઈને લાલ બંગલા સર્કલ સુધી જુદા જુદા પોઇન્ટ પર સુરક્ષા જવાનોને આજે સવારથીજ ગોઠવી દેવામાં આવ્યા છે. ઉપરાંત વડાપ્રધાનના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમ ની મળતી માહિતી મુજબ રાત્રિના જામનગર પહોંચ્યા પછી સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે જેના માટે સર્કિટ હાઉસમાં પ્રથમ માળે આવેલા રંગમતી કક્ષમાં રાતવાસો કરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને સમગ્ર કક્ષ ને રંગ રોગાન કરી દઈ અન્ય ખૂટતી સામગ્રીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ સમગ્ર સર્કિટ હાઉસ નું પરિષર સુરક્ષા કર્મીઓની છાવણીમાં તબદીલ થયું છે.
જામનગરના દિગ્જામ સર્કલ થી લાલ બંગલા સર્કલ સુધી રોડની બંને તરફ બેરિકેટિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તેમજ પોલીસ અને હોમગાર્ડના જવાનોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિલાયન્સમાં વનતારાની મુલાકાત કરે, તેની સાથે સાથે જામનગરના માજી રાજવી જામ સાહેબની મુલાકાત કરે તેવી પણ પૂરતી સંભાવનાઓ છે. જેની પણ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
વડાપ્રધાન ના સુરક્ષા બંદોબસ્ત ને લઈને 6 આઈ.પી.એસ. અધિકારી, 37 ડી.વાય.એસ.પી., 67 પી.આઈ.,150 પી.એસ.આઈ. તેમજ 1500 જેટલા પોલીસ જવાનો અને હોમગાર્ડ સહીતના સુરક્ષા કર્મીઓ તહેનાતમાં રહેશે. જેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને લોખંડી સુરક્ષા જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ અને જામનગરના એસપી પ્રેમસુખ ડેલોની આગેવાનીમાં આજે રાતે એરપોર્ટ થી સર્કિટ હાઉસ સુધીના રિહર્ષલ ની પણ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવતીકાલે શનિવારે રાત્રે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે છ વાગ્યા આસપાસ સર્કિટ હાઉસ થી મોટર માર્ગે નીકળીને જામનગરના એરપોર્ટ પર પહોંચે અને ચોપર હેલિકોપ્ટર મારફતે તેઓ રિલાયન્સ માં ઉતરાણ કરે, તેવી પણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યાં 2 તારીખ ને રવિવારે સવારે 6.00 વાગ્યાથી બપોર સુધી વનતારા ની મુલાકાત લેશે.અને ત્યાંથી સીધા સાસણગીર હવાઈ માર્ગે રવાના થઈ શકે એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.