રાજકોટ શહેર કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૧૯ યોજાઈ
ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલા ક્ષેત્રે પણ વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે: ડી.જે. વાધેલા
ગુજરાત સરકારના રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃર્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટની કચેરી તથા એચ.જે. ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે શહેર કક્ષાએ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૧૯નો શુભારંભ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે. વાધેલા તથા જિલ્લા રમત-ગમત અધિકારી વી.પી.જાડેજા દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.રાજકોટ શહેર કક્ષાએ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા ૨૦૧૯નો શુભારંભ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે. વાધેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલા ક્ષેત્રે પણ વિશ્વમાં ગુજરાતનો ડંકો વગાડે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતનાં સાંકૃતિક વારસાનું જતન થાય તે ઉદેશને પરીપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્મક વાતાવરણનું નિમાર્ણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિમાર્ણ કરવા અને કલાકારોની આંતરિક શકિતઓને ખિલવવાનો તથા પુરસ્કૃત કરવાનો અભિગમ રાજ્ય સરકારશ્રીનો રહ્યો છે.
ગુજરાતે કલાક્ષેત્રે સમગ્ર વિશ્વમાં રાસ-ગરબાના માધ્યમ થકી આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા એમ વિવિધ કેટેગરીમાં કુલ ૨૭ જેટલા ગૃપોએ ભાગ લીધો હતો. જેમાં અર્વાચીન ગરબામાં ૮ ગૃપ, અર્વાચીન રાસમાં ૬ ગૃપ, અને પ્રાચીન ગરબામાં ૧૩ ગૃપોએ ભાગ લીધો હતો. શરદપુનમની રાતમાં ચાંદલીયો ઉગ્યો છે ચોકમાં, કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, ગરબો ધુમતો જાય રે જેવા અનેક ગીતો પર રાજકોટનો હેમુ ગઢવી હોલ ગુંજી ઉઠ્યો હતો.આ અર્વાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વૃંદ ગૃપ, દ્વિતિય ક્રમાંકે અર્જુનલાલ હિરાણી પર્ફોર્મિંગ આર્ટ કોલેજ તથા સરસ્વતિ ગૃપ- જી.કે.ધોળકીયા સ્કુલે મેદાન માર્યું હતું. રાસના વિજેતા તરીકે પ્રથમ ક્રમાંકે નટરાજ કલા મંદિર, દ્વિતિય ક્રમાંકે મોગલ ગૃપ-જી.કે.ધોળકીયા સ્કુલ તથા પ્રાર્થના ગૃપ વીજે મોદી સ્કુલના ખેલૈયાઓએ જીત હાંસલ કરી હતી. પ્રાચીન ગરબામાં પ્રથમ ક્રમાંકે એમ.એન. વિરાણી સાયન્સ કોલેજ, દ્વિતિય ક્રમાંકે સરસ્વતિ ગૃપ- જી.કે.ધોળકીયા સ્કુલ તથા વૃંદ ગૃપ અગ્રેસર રહ્યા
હતા.આ તકે યસવંતભાઈ ગઢવી, જે.સી.જાડેજા, વિપુલભાઈ ભટ્ટ, પલ્લવીબેન વ્યાસ, હિનાબેન રાવલ, તથા મીરાબેન ઉપાધ્યાયએ સ્પર્ધધાના નિર્ણાયકો તરીકે ફરજ બજાવી હતી