- સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને ઈઓડબ્લ્યુની ટીમો પણ ફિલ્ડમાં રહેશે
- ઉચ્ચ અધિકારીઓની સાથોસાથ સ્ટ્રાઇકિંગ, ક્યુઆરટી તેમજ વ્રજ અને વરૂણનું ખાસ પેટ્રોલિંગ
- હિન્દૂ-મુસ્લિમ ધર્મના અગ્રણીઓ સાથે પોલીસે શાંતિ સમિતિની બેઠકો યોજી
હિન્દૂ ધર્મમાં ઉજવાતા રંગોના તહેવાર ધુળેટી પર્વ અને મુસ્લિમ બિરાદરોના રમઝાન માસની જુમ્મા એક જ દિવસે હોવાથી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તેના માટે પોલીસ દ્વારા 1680 અધિકારી-કર્મચારીઓ લોખંડી બંદોબસ્તમાં જોડાનાર છે. ધુળેટી પર્વે સ્થાનિક પોલીસની ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને ઈઓડબ્લ્યુ સહીતની ટીમો પણ સતત ફિલ્ડમાં રહેનાર છે. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ, ક્યુઆરટીની ટીમો તેમજ અત્યાધુનિક વ્રજ અને વરુણ પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરનાર છે.
ધુળેટી પર્વ અનુસંધાને શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ બંદોબસ્ત પ્લાન અંગે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે આપેલી વિગત અનુસાર તહેવાર અનુસંધાને શહેરમાં 32 સંવેદનશીલ પોઇન્ટની ઓળખ કરવામાં આવી છે. જે તમામ 32 પોઇન્ટ પર સતત અને મહતમ પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. સ્થાનિક પોલીસની મહતમ ટીમો પેટ્રોલિંગમાં હાજર રહેનાર છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અમે ઈઓડબ્લ્યુ શાખાની ટીમો પણ સતત પેટ્રોલિંગમાં હાજર રહેનાર છે. તેમજ ડીસીપી, એસીપી સહીતના અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ અને ક્યુઆરટીની ટીમો પણ પેટ્રોલિંગમાં જોડાશે તેમજ અત્યાધુનિક વરુણ અને વ્રજ વાહનો પણ આ દરમિયાન ફિલ્ડમાં જ રહેનાર છે. શહેર પોલીસના 1680 અધિકારી-કર્મચારીઓ આવતીકાલ ફિલ્ડમાં હાજર રહેનાર છે.
વધુમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, એસઓજી શાખા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને સંવેદનશીલ પોઇન્ટ સહિતના વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવનાર છે. ઉપરાંત ધાબા પોઇન્ટ, ફિક્સ પોઇન્ટ ઉભા કરી અલગ અલગ વિસ્તારોમાં નજર રાખવામાં આવનાર છે. સાથોસાથ પોલીસ પીસીઆરની સાથે જ દસ વધુ વાહનોને પણ પેટ્રોલિંગ અર્થે રાખવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે ટીમ દુર્ગાશક્તિ અને શી ટીમો પણ સતત ફિલ્ડમાં હાજર રહેશે. સાથોસાથ કોમી વૈમનશ્ય અટકાવવા હિન્દૂ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મુકતા પહેલા સોં વાર વિચારજો: સાયબર ક્રાઇમ બાજ નજર રાખશે
સોશિયલ મીડિયાના યુગમાં ઘણીવાર ભડકાઉ પોસ્ટ મૂકીને કોમી વૈમનશય ઉભું કરવા પ્રયાસ કરવામાં આવતા હોય છે. ત્યારે ખાસ સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર ક્રાઇમ પોલીસને કામે લગાડી દેવામાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમો સતત સોશિયલ મીડિયા પર સર્વેલન્સ હાથ ઘરનાર છે અને ભડકાઉ પોસ્ટ મુકનાર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
પોલીસ હેડ ક્વાર્ટરમાં ધુળેટી પર્વની ઉજવણી પણ રદ
શહેર પોલીસ દ્વારા હેડ ક્વાર્ટરમાં દર વર્ષે ધુળેટીના પર્વ પર ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. જેમાં પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પરીવાર સાથે એકબીજા પર કલરની છોળો ઉડાળી પર્વની ઉજવણી કરતાં હોય છે. ત્યારે આ વર્ષે ધુળેટી અને જુમ્માની નમાઝ સાથે હોવાથી પોલીસ કમિશ્નર દ્વારા હેડ ક્વાર્ટરના સ્ટાફની રજાની સાથે પર્વની ઉજવણીનો કાર્યક્રમ પણ રદ કરી નાંખવામાં આવ્યો છે અને તમામ સ્ટાફને ખાસ શહેરમાં સુરક્ષા માટે સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપવામાં આવી છે.