પાર્કિંગ મુદ્દે પોલીસનો આદેશ નહીં માનનાર મોલ માલિકો સામે થશે કડક કાર્યવાહી
કાયદેસરની કાર્યવાહી થશેઃ પોલીસ કમિશનર
શહેરના કોઈ પણ મોલ કે મલ્ટિપ્લેક્સમાં હવેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહીં. આમ છતાં જો કોઈ કિસ્સામાં પાર્કિંગ ચાર્જ વસૂલાતો જોવા મળશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું.
અમદાવાદ બાદ સુરત પોલીસે લીધો નિર્ણય
શહેરીજનોને સૌથી મોટા પ્રશ્ન આ જ નડતો હતો. ખરેખર જે તે મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકોની જવાબદારી છે તે વાહનપાર્ક કરવાના બદલામાં ચાર્જ ચૂકવવો પડે તે સામાન્ય માણસને આંખમાં કણાંની માફક ખૂંચતો હતો. તેવામાં હાઇકોર્ટે હુકમ કર્યો અને પાર્કિંગ ચાર્જ વસૂલી ન શકાય તેવો ચુકાદો આપ્યો. હાઇકોર્ટના આ ચુકાદા બાદ અમદાવાદ પોલીસે પહેલ કરી અને મોલ તેમજ મલ્ટિપ્લેક્સમાં વસૂલાતો પાર્કિંગ ચાર્જ બંધ કરાવ્યો. આ વાતને ધ્યાને લઈ સુરત પોલીસે પણ અમદાવાદ પોલીસ જેવો જ નિર્ણય કર્યો છે.
મોલ-મલ્ટિપ્લેક્સને અપાઈ નોટિસ
પોલીસ કમિશનરે કહ્યું કે શહેરના તમામ મોલ અને મલ્ટિપ્લેક્સના માલિકોને પોલીસે નોટિસ આપી દીધી છે. પરિણામે હવે પછી કોઈ પણ જગ્યાએ પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે નહીં. આમ છતાં કોઈ જગ્યાએ જો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હશે તો તે મોલ કે મલ્ટિપ્લેક્સના માલિક વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યાવાહી કરશે.
મોલમાં 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા પાર્કિંગનો ચાર્જ
સુરતમાં મોલ અને મલ્ટીપ્લેક્સ સિનેમા ધરાવતાં ડુમસ રોડ સ્થિત વીઆર મોલ અને રાહુલરાજ મોલ સહિત સરથાણાના દિપકમલ મોલમાં પાર્કિંગ પેટે ચાર્જ વસૂલવામાં આવે છે. જેમાં વીઆર મોલ ખાતે કારના પાર્કિંગ દર નોર્મલ દિવસો એટલે સોમથી શુક્ર દરમિયાન 30 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યારે આ દર શનિ રવિ અને રજાના દિવસોમાં વધીને 40 રૂપિયા સુધીના છે. આ જ રીતે રાહુલરાજ મોલમાં પણ સોમથી શુક્ર રૂપિયા 30 અને શનિ-રવિ દરમિયાન 40 રૂપિયા લેવામાં આવે છે અને બાઈકના પાર્કિંગ દર 10 રૂપિયા છે. જ્યારે સરથાણા ખાતે આવેલા દિપકમલ મોલમાં પાર્કિંગ ચાર્જ કારના નોર્મલ દિવસોમાં 20 રૂપિયા અને શનિ-રવિમાં 40 રૂપિયા વસૂલવામાં આવે છે.