થોડા સમય પહેલા ટ્વિટરને ફ્લોરિડાની એક કંપની વિશે ખબર પડી, જેની પાસેથી સોશિયલ મીડિયા પર હજારો-લાખો ફોલોઅર્સ ખરીદવામાં આવ્યા હતાં! ઉંચા ગજાનાં રાજકારણીઓ, કલાકારો, લેખકો અને ફેશન મોડેલ્સનાં નામ ખરીદાર તરીકે ઉભર્યા. ટ્વિટરને તો ફાળ પડી! કારણકે ગુગલ અને ફેસબૂકની સરખામણીએ ટ્વિટર પાસે પહેલેથી જ ઘણા ઓછા યુઝર્સ છે. એમાંય આવા ફેક ફોલોઅર્સની સચ્ચાઈ સામે આવે ત્યારે યુઝર્સને તો ટ્વિટર પરથી વિશ્વાસ જ ઉઠી જાય ને! હાલ, ટ્વિટર પર એવા ઘણા બધા યુઝર-અકાઉન્ટ છે, જેનાં ફોલોઅર્સની સંખ્યામાં રાતોરાત વધારો થયો છે. આવા અકાઉન્ટ્સ પર ટ્વિટર હવે કાતર ફેરવવાની તૈયારી કરી રહ્યું છે. પૈસાની થોકડીઓ આપીને ફેક ફેન-ફોલોઇંગ ઉભું કરવાનાં ઘણા લાભ છે. એક તો, મોટી મોટી બ્રાન્ડ, પ્રોડક્ટ કે કંપની સામે ચાલીને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર પાસે આવીને પોતાની જાહેરાત કરાવે છે, એનાં માટે મોં-માંગ્યા પૈસા પણ આપે છે! આવો બિઝનેસ વળી કોને ન ગમે? માણસોને હવે સાચી ફેન-ફોલોઇંગ પર ભરોસો જ નથી રહ્યો. તેઓ એવું માને છે કે દરેક સિલેબ્રિટી પાસે પોતાનાં ચાહકવર્ગ ઉપરાંત ખરીદેલા ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં હોય છે.

તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણનાં ઇન્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા અઢી કરોડ (25 મિલિયન)નાં આંકડાને વટાવી ગઈ ત્યારે તેમનાં ફોલોઅર્સ ફેક હોવાની વાતો પણ ઘણી ચગી હતી. અમિતાભ બચ્ચનથી પણ એકવાર પોતાનાં ફોલોઅર્સ વધારવા બાબતે, ‘ફેન-ફોલોઇંગ વધારવા માટે કંઈ કરવું પડે એમ હોય તો કહેજો’ એવો ઉલ્લેખ થઈ ગયેલો! આનાથી સૌથી મોટું નુકશાન એડવર્ટાઇઝર્સને થઈ રહ્યું છે. લાખો-કરોડો ફોલોઅર્સ ધરાવતાં ટ્વિટર અકાઉન્ટ યુઝરને તેઓ જ્યારે પૈસા આપીને પેઇડ-પ્રમોશન કરાવે છે ત્યારે એમાંના મોટાભાગનાં ફોલોઅર્સ ફેક હોવાથી તેમની પ્રોડક્ટ લોકો સુધી પહોંચતી નથી. ‘યુનિલીવર’ કંપની દર વર્ષે અબજો રૂપિયા સોશિયલ મીડિયા માર્કેટિંગ પાછળ ખર્ચે છે. તેમણે હવે ટ્વિટર પર પેઇડ-ફોલોઅર્સનાં અકાઉન્ટ પાછળ રૂપિયા રોકીને પોતાનું પ્રમોશન કરાવવાની સખ્ત મનાઈ ફરમાવી દીધી છે. પરિણામે, ટ્વિટરનાં પોતાનાં બિઝનેસમાં પણ કરોડોની ખોટ જોવા મળી રહી છે. યુનિલીવરનાં ચીફ માર્કેટિંગ ઓફિસર કૈથ વીડે ટ્વિટર દ્વારા લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી છે. લોકોને વાસ્તવમાં ખબર પડવી જોઇએ કે ટ્વિટર પર હવે ફેક ફોલોઅર્સ માટે કોઇ જગ્યા નથી.

ફેસબૂક કે અન્ય સોશિયલ મીડિયાની સરખામણીએ ટ્વિટર પર ભાષા અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય સૌથી વધુ આપવામાં આવે છે. જે ઇચ્છા થાય એ લખી નાંખો. જોકે, હવે તો ટ્વિટરની પોલિસીઓ પણ પહેલા કરતાં વધુ કડક થઈ ગઈ છે. જેવી તેવી ટ્વિટ કે પછી ઉશ્કેરણીજનક વિધાનો લખનાર યુઝર ફક્ત થોડા કલાકોની અંદર બ્લોક થઈ જાય છે. આમ છતાં હજુ પણ લોકો ટ્વિટર પર બેફામ લખે છે. 2016નાં અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં હજારો અકાઉન્ટ્સમાંથી સાચી-ખોટી વાતો લખીને રશિયાએ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રંપના ટ્વિટર અકાઉંટ બ્લોક થવાની વાત તો જાણીએ જ છીએ.  આ તમામ પરેશાનીઓથી તંગ આવીને ટ્વિટરે ગયા મહિને જાહેરાત કરી નાંખી છે કે તેઓ હવેથી દર અઠવાડિયે દસ મિલિયન (એક કરોડ) ફેક યુઝર-અકાઉન્ટને બ્લોક કરી નાંખશે! કંપનીને જરાક પણ એવું લાગશે કે ફલાણા અકાઉન્ટને ઘણા સમયથી કોઇ ઓપરેટ નથી કરી રહ્યું અથવા હેક થઈ ગયું છે તો તેઓ સેક્ધડનાં છઠ્ઠા ભાગમાં એને લોક કરી દેશે, જેથી એનો દુરૂપયોગ થતો અટકે.

અસંખ્ય વેબસાઇટ આજે ઓનલાઇન ફોલોઅર્સ વેચવાનો ધમધીકતો ધંધો ખોલીને બેઠી છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર સહિત દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ ફોલોઅર્સ વેચી રહ્યા છે. ‘દેવુમિ’ નામે એક કંપનીએ અત્યાર સુધીમાં કુલ 20 કરોડથી પણ વધુ ફેક-ફોલોઅર્સ વેચ્યા છે! તેમની પાસે 35 લાખ કરતાં વધુ ઓટોમેટેડ અકાઉન્ટ છે, જેને એક કરતાં વધુ વખત વેચવામાં આવ્યા છે. ઓટોમેટેડ અકાઉન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે એ આખી પ્રોસેસ પણ જાણવા જેવી ખરી! ધારો કે, તમે ટ્વિટર પર સક્રિય છો પરંતુ કોઇ કારણોસર થોડા સમય સુધી એનો વપરાશ ન કરી શક્યા. તમારી પ્રોફાઇલ-ઇન્ફર્મેશન તો એમાં રહેવાની જ છે! આ તમામ ઇન્ફર્મેશનને ‘દેવુમિ’ જેવી કંપનીઓ કોપી-પેસ્ટ કરી લે છે. જેસિકા રેચલી નામે એક ટ્વિટર યુઝરની પ્રોફાઇલ ઇન્ફર્મેશન (ફોટો, બાયોગ્રાફીકલ માહિતી, લોકેશન વગેરે)ને ક્રિપ્ટોકરન્સીની એડવર્ટાઇઝમેન્ટ અને ગ્રાફિક પોર્નોગ્રાફી ધરાવતી વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવી!

ટ્વિટરે તો પોતાનું સફાઈ-અભિયાન શરૂ પણ કરી દીધું છે. ‘દેવુમિ’નાં દસ લાખ ફેક-અકાઉન્ટ્સને હંમેશા માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે. ગયા મે અને જૂન મહિનાની અંદર કુલ 7 કરોડ ટ્વિટર અકાઉન્ટ્સ પર સફાઈ અભિયાનનું ઝાડું મારી દેવાયું છે. ગઈકાલ હમણાંથી આ ઝૂંબેશ વધુ આક્રમતા સાથે શરૂ થઈ છે. ટ્વિટર હવે પોતાનું અસ્તિત્વ બચાવવા પર ઉતરી આવ્યું છે. યુઝર્સનો વિશ્વાસ ફરી પ્રતિપાદિત કરવા માટે તેઓ કટિબદ્ધ છે. ફેક-ફોલોઅર્સ અને એ વેચતી કંપનીઓને તેઓ સાણસામાં લઈ રહ્યા છે. થોડા સમયની અંદર સિલેબ્રિટી, રાજકારણી તથા પબ્લિક-પ્રોફાઇલનાં અકાઉન્ટ્સમાં ખરીદાયેલા ફેક-ફોલોઅર્સને બ્લોક કરી નાંખવામાં આવશે. અત્યારસુધીમાં તો ટ્વિટરનાં હાથમાં એ દરેક સિલેબ્રિટીઓનાં પ્રોફાઇલ પહોંચી ચૂક્યા હશે જેમણે પૈસા આપીને પોતાનું તગડું ફેન-ફોલોઇંગ ઉભું કર્યુ છે! ચાર-પાંચ દિવસોની અંદર જેમનાં પ્રોફાઇલનાં ફોલોઅર્સની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધવા મળે એ ટ્વિટરનાં બિછાવેલા જાળમાં સપડાઈ ગયા છે એવું સમજી જવાનું!

હાલ કેટલા ટ્વિટર-અકાઉન્ટ્સ ફેક ફોલોઅર્સથી ખદબદી રહ્યા છે એ વિશેની માહિતી તથા આંકડાઓ બહાર પાડવાનું કંપનીએ ટાળ્યું છે. તેઓને બીક હશે કે આમ કરવા જઈશું તો પુષ્કળ નામો એવા સામે આવશે જેને દુનિયા આદર્શ માની રહી હોય! તેઓ કદાચ પોતાની સાથે થયેલા આવી વર્તણૂકને લીધે ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરી નાંખે એવું પણ બને. પરંતુ હા, ટ્વિટરનાં આ ક્લિન-ઓપરેશનથી કુલ કેટલા ટકા પ્રોફાઇલમાં ઘટાડો જોવા મળી શકે એનો આંકડો બહાર પાડી દેવામાં આવ્યો છે. આખું સફાઈ-અભિયાન પૂરું થતાં સુધીમાં ટ્વિટર પરનાં કુલ 6 ટકા યુઝર્સનાં પ્રોફાઇલ બ્લોક થઈ ચૂક્યા હશે, જે કોઇ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બહુ મોટો આંકડો ગણી શકાય.

સિલેબ્રિટી સિવાયનો સામાન્ય યુઝર આવતાં એક અઠવાડિયા સુધીમાં પોતાનાં ટ્વિટર અકાઉન્ટ પર ઓછામાં ઓછા ચાર-પાંચ ફોલોઅર્સનો ઘટાડો નોંધી શકશે. સુપર-સ્ટાર્સ અને અન્ય પ્રોફાઇલનાં મામલે આ આંકડો હજારો-લાખોમાં પણ પહોંચી શકે! જે કહો એ, પણ ટ્વિટરે આ કામ બહુ સારું કર્યુ છે. ફોલોઅર્સનાં નામે હવામાં ઉડતાં કંઈ-કેટલાય ઇન્ફ્લ્યુઅન્સરની વાસ્તવિકતા પરથી પડદો હટી જશે. મ્યુઝિકલી, લાઇક, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સએપની ભરમાર વચ્ચે દિવસે ને દિવસે જેની લોકપ્રિયતામાં ઘટાડો થઈ રહ્યો છે એવા ટ્વિટરને આ સ્વચ્છતા અભિયાન કેટલાક અંશે બચાવી શકશે!?

તથ્ય કોર્નર

ટ્વિટર પર લગભગ 187 મિલિયન મોનેટાઈઝેબલ ડેઈલિ એક્ટિવ યુઝર્સ આવેલા છે. આ યુઝર્સમાંથી ફેક અને ઓરિજનલ ફિલ્ટર કરવામાં આવે છે.

વાઇરલ કરી દો ને

જો ટ્વિટર ફેક ફોલોઅર્સ પર સાવરણો ફેરવવાનું હોય તો પેલા ફોલોઅર્સને જાગીર માનીને 2 વેંત ઊંચા ચાલતા લોકોનું શું થશે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.