દેશભરમાં તા.૧૫થી ટોલનાકા પર રોકડના બદલે ‘ફાસ્ટેગ’થી નાણાં ચૂકવવાનું શરૂ કરાયા બાદ હવે ફાસ્ટેગને વધુ સક્ષમ બનાવવા અને ૧૦૦ ટકા કેશલેસ બનાવવા હાઈવે તંત્રે ‘ફ્રી ફાસ્ટેગ’ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનમાં ૧ માર્ચ સુધીમાં વાહન ચાલક ફાસ્ટેગ રજીસ્ટેશન કરાવે તેને ફાસ્ટેગ વિનામૂલ્યે આપવા નિર્ણય હાઈવે તંત્રે કર્યો છે. મળતી માહિતી મુજબ દેશભરમાં હાઈવેનું સંચાલન કરનાર નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ દેશમાં ૧૫ ફેબ્રુઆરીથી વાહન માટે ફાસ્ટેગને ફરજીયાત બનાવી રોકડ ટોલ સેવાના બદલે ફાસ્ટેગથી જ ટોલ લેવાનું નકકી કરતા અને તેનો કડક અમલ કરવાનો શરૂ કર્યો છે. તા.૧૫-૧૬ એમ બે દિવસમાં જ ૨.૫ લાખ ફાસ્ટેગનું વેચાણ કરવામાં આવ્યું હતુ.હાઈવે તંત્રના જણાવ્યા પ્રમાણે ૧૭ ફેબ્રુઆરીએ દેશભરમાં ટોલનાકા ઉપરથી ૯૫ કરોડનો ટોલ વસુલાયો હતો આ આંક અત્યાર સુધીનો સૌથી ઉંચો આંક છે અને એક રેકોર્ડ છે. ‘ફાસ્ટેગ’થી ટોલ એકત્રીકરણ ૮૭ ટકા સુધી પહોચી ગયું છે. અને છેલ્લા બે દિવસમાં જ ૭ ટકાની વૃધ્ધિ થઈ છે. દેશમાં ૧૦૦ ટોલનાકા એવા છે જયાં ૯૦ ટકા ટોલ એકત્રીકરણ ‘ફાસ્ટેગ’થી જ થયું છે. હવે દેશભરમાં ૧૦૦ ટકા કેસલેસ ટોલ વસુલવા માટે પહેલી માર્ચ સુધી ફ્રી ફાસ્ટેગ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત હાલ કોઈ વાહન ધારક ફાસ્ટેગ રજીસ્ટ્રેશન કરાવે તો તેની પાસેથી ‘ફાસ્ટેગ’ની કિંમત રૂ .૧૦૦ લેવામાં નહી આવે આ સુવિધા રાજયોના ટોલ બૂથ સહિત દેશભરમાં ૭૭૦ થી વધુ ટોલપ્લાઝા ઉપર ઉપલબ્ધ કરાઈ છે. વધુને વધુ વાહન માલીકો ચાલકો ‘ફાસ્ટેગ’ ખરીદે એટલા માટે આ વિશેષ અભિયાન હાથ ધરાયું છે.
ફાસ્ટેગ રિચાર્જ માટે ૪૦ હજાર પીઓએસની વ્યવસ્થા
જો તમારા માય ફાસ્ટેગ એપમાં નારંગી કલર હોય તો તમારે તુરત જ ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે. આ માટે નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ દેશભરમાં રાખેલા ૪૦ હજાર પીએસએસથી રિચાર્જ કરાવી શકાશે. આ ઉપરાંત એરટેલપેમેન્ટ બેંક, પેટીએમ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ થકી પણ રિચાર્જ કરાવી શકાશે અને સીધુ બેંક ખાતા સાથે જોડી શકાશે.
‘માય ફાસ્ટેગ એપ’થી બેલેન્સ જાણી શકાશે
‘માય ફાસ્ટેગ એપ’માં હવે નવું ફીચર સામેલ કરાયું છે. જે એક બેલેન્સ સ્ટેટસના નામથી જાણી શકાશે. આના પર કલીક કરી વાહન માલીક ‘ફાસ્ટેગ’માં વધેલી રકમ જોઈ શકશે. માય ફાસ્ટેગ એપમા બચેલી રકમનાં આધારે અલગ અલગ રંગ દેખાડશે એટલે કે એનાપરથી ખબર પડશ કે ‘ફાસ્ટેગ’ એકટીવ છે કે બંધ? લીલો રંગ જોવા મળે તો તે એકટીવ હોવાનું બતાવે છે. જો નારંગી કલર બતાવે તો તેમાં બેલેન્સ ઓછું છે અને રિચાર્જ કરવાનું જણાવે છે. જયારે લાલ રંગ તમારૂ ફાસ્ટેગ ‘બ્લેકલિસ્ટ’ કરાયાનો નિર્દેશ કરે છે.